કામગીરી:પાલનપુરના જોરાવર પેલેસના બગીચામાં રૂ. 45 કરોડના ખર્ચે 2 માળની કલેક્ટર કચેરી બનશે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોઇલ ટેસ્ટિંગ, માર્ગ અને મકાન વિભાગએ ખાનગી એજન્સીને કામ સોંપ્યું

પાલનપુરમાં આખરે 45 કરોડના ખર્ચે 2 માળની કલેકટર કચેરીને બગીચામાંજ બનાવવા સૈધાંતિક મંજૂરી મળી ગઈ છે. હવે વહીવટી મંજુરી માટેની રાહ જોવાઈ રહી છે. જે બાદ ટેન્ડર પ્રક્રિયા કરાશે. હાલમાં જોરાવર પેલેસના બગીચામાં લહેરાતા તમામ ઝાડ કાપી નવો બગીચો બનાવાશે. નવી કલેકટર કચેરી માટે શુક્રવારથી સોઇલ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

પાલનપુરમાં કલેકટર કચેરી ક્યાં બનાવવી તેને લઈ પાછલા કેટલાક મહિનાઓથી ગડમથલ ચાલી રહી હતી. અગાઉ સદરપુર ખસેડવાની હિલચાલ થતાં જિલ્લપંચાયતના સભ્યોએ બહુમતી સાથે પથિકાશ્રમ કલેકટર કચેરી માટે ફાળવી દેવા સર્વાનુમતે નક્કી કર્યું હતું. તેવામાં આ બધા વિવાદો વચ્ચે અગાઉ જ્યાં પસંદગી કરવામાં આવી હતી તે જ જોરાવર પેલેસ સંકુલમાં 45 કરોડના ખર્ચે 2 માળની કલેકટર કચેરીને બનાવવા સૈધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા અપાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

કલેકટર કચેરીના નિર્માણ કરીને લઈ આખો બગીચો ઉપરાંત જન સુવિધા કેન્દ્ર સહિતની આખી જગ્યા ખુલ્લી કરી તમામ ઝાડ કાપી નવી ઇમારતના નિર્માણ બાદ નવો બગીચો બનાવવા આયોજન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન શુક્રવારે નવી કલેકટર કચેરી જે બગીચામાં બનવાની છે તે જગ્યાના માટીના નમુના લઇ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

માર્ગ અને મકાન વિભાગએ ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે. જેઓ 50 ફૂટ અંદરથી જમીનના સેમ્પલ લેવાની કામગીરી કરી રહ્યા છે. જમીન કેટલો ભાર સહન કરી શકે છે તેને લઈ સોઇલ ટેસ્ટ કરવા માટે 50 ફૂટ ઊંડે જમીનમાં પાઇપો ઉતારવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગે ખાનગી એજન્સીને આ માટે જવાબદારી સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...