તપાસ:બદલો લેવા સગીરાની હત્યા કરી પ્રેમીએ લાશ બેગમાં ભરી ફેંકી દીધી

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાદરપુરાના શખ્સે મુંબઈમાં સગીરાની હત્યા કરી હતી
  • ગઢ પોલીસે બંને શખ્સોને મુંબઈ પોલીસને સોંપ્યા

પાલનપુર તાલુકાના બાદરપુરા (ખોડલા)ના શખ્સે મુંબઈમાં તેની ગર્લફ્રેન્ડની ચપ્પાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. જે પછી મદદગારી કરનાર મિત્ર સાથે ફરાર થઈ ગયો હતો. જે તેના વતનમાં આવતા જ ગઢ પોલીસે બંનેને દબોચી લીધા હતા. આ કેસમાં એકમાસ અગાઉ ગર્લફ્રેન્ડના પરિવારે તેને જાહેરમાં માર માર્યો હોય તેનો બદલો લેવા હત્યા કરી તેણીના મૃતદેહને ટ્રાવેલ બેગમાં ભરી રેલવે સ્ટેશન નજીક ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે.

પાલનપુર તાલુકાના બાદરપુરા ખોડલાના સંતોષ મગનભાઈ મકવાણા (ઉં.વ. 22)એ બદલો લેવા માટે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈના નિર્મલ નગર પોલીસ સ્ટેશનની સામે રેલવે કોલોની પાછળ ત્રણ બંગલા પાઇપલાઇન વિસ્તારમાં મજૂરી કરી રહેતા સંતોષ મકવાણા સોશિયલ મીડિયા થકી અંધેરી મુંબઈની 15 વર્ષીય સગીરા સાથે આઠ માસ અગાઉ પરિચયમાં આવ્યો હતો. એકમાસ અગાઉ બંને જણાને સગીરાના પરિવારજનો જોઈ જતા સંતોષ મકવાણાને જાહેરમાં મારવામાં આવ્યો હતો.

એનો બદલો લેવા માટે તેણે હત્યાનો પ્લાન કર્યો હતો. અને બજારમાંથી છરી ખરીદી હતી. 25 ઓગસ્ટે ગર્લફ્રેન્ડ સ્કૂલે ગઈ ત્યારે બપોર બાદ તેનું અપહરણ કર્યું હતું. જેને તેના મિત્ર જુહુ અંધેરી વિસ્તારના મોરાગાવના વિશાલ દીપક અનભણવે (મરાઠી) ઉ.વ.21ની ઝુંપડીએ લઈ ગયો હતો. સ્કૂલ ડ્રેસમાં જ તેની ઉપર હુમલો કરી નિર્મમ હત્યા કરી હતી. અને પછી ટ્રાવેલ બેગમાં મૃતદેહ ભરી નાયગાવ પરેરાનગર રેલવે સ્ટેશન નજીક બેગ ફેંકી દઈ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે ગઢ પીએસઆઇ એસ.જે. દેસાઈએ જણાવ્યું હતું કે, બાદરપુરા ખોડલા ગામે આવેલા બંને આરોપીઓને ઝડપી લઇ મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે.

હત્યા કર્યા પછી તેણીના કપડાં બદલ્યા
સંતોષ મકવાણાએ સ્કૂલ ડ્રેસમાં જ રહેલી ગર્લફ્રેન્ડને હત્યા કરી હતી. તે પછી મિત્રની મદદથી નવા કપડાં પહેરાવી ટ્રાવેલ બેગમાં મૃતદેહ ભર્યો હતો. અંધેરી અને નાયગાવ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આ બંને શખ્સો બેગ લઈને જતા જોવા મળ્યા હતા. રેલવે સ્ટેશન નજીક મૃતદેહ ભરેલી બેગ ફેંકી દઈ બંને ફરાર થઈ ગયા હતા. પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે બંનેના ફોટા સ્ક્રેચ કરી ગુજરાત પોલીસને જાણ કરી હતી. છેવટે બંને પાલનપુર તાલુકાના બાદરપુરા ખોડલા ગામેથી ઝડપાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...