બાળલગ્ન અટકાવ્યા:પાલનપુરમાં 181 અભયમની ટીમે બાવરી સમાજની સગીરાના બાળલગ્ન અટકાવ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષની દીકરીના લગ્ન 25 વર્ષના મુરતિયા સાથે નક્કી કરાયા હતા
  • બાળલગ્ન પ્રતિબંધક કાયદાની​​​​​​​ સમજ આપતા લગ્ન ન કરવા સહમત થયા

પાલનપુર માનસરોવર વિસ્તારમાં રહેતા બાવરી પરિવારમાં પ્રથમ વખત માત્ર 15 વર્ષની દીકરીના લગ્ન 25 વર્ષના મુરતિયા સાથે કરવામાં આવનાર હતા. જોકે કોલ મળતા સમયસર પહોંચેલી બનાસકાંઠા 181 અભયમની ટીમે દીકરીના માતા-પિતા અને પરિવારજનોને બાળ લગ્ન પ્રતિબંધક કાયદાની સમજ આપી સગીરાને ચોરીના ચાર ફેરા ફરતી બચાવી બાળ લગ્ન અટકાવ્યા હતા.

આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સિલર જીનલબેન પરમારે જણાવ્યું કે, શહેરના માન સરોવર ફાટક પાસે બાળ લગ્ન થતાં હોવાનો કોલ મળતા બનાસકાંઠા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી મનીષભાઈ જોષીને ટેલિફોનિક જાણ કરી મહિલા પોલીસ શિલ્પાબેન સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં પરિવારની 15 વર્ષની સગીરાના લગ્ન 25 વર્ષના યુવક સાથે કરાવવાના હતા. જેમના લગ્નની કંકોત્રી પણ સગા સંબંધીઓમાં આપી દેવામાં આવી હતી. જોકે, સગીરાના માતા - પિતાને બાળ લગ્ન કરવાથી થતાં ગેરફાયદા અંગે સમજ આપી હતી.

તેમજ બાળ લગ્ન પ્રતિબંધક કાયદા અંતર્ગત કરવામાં આવતી સજા અંગે જણાવતાં સગીરાના માતા-પિતા અને પરિવારજનો આ બાળ લગ્ન ન કરવા સહમત થયા હતા. આમ 15 વર્ષની સગીરા ચોરીના ચાર ફેરા ફરે તે પહેલા બાળ લગ્ન અટકાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...