ચોરી:પાલનપુરપંથકમાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની નજર ચૂકવી દાગીના ચોરતો શખ્સ CCTVમાં કેદ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર મોટીબજારમાંથી રૂ. 1.40 લાખના દાગીના ચોરી છુમંતર થઇ ગયો હતો
  • પોલીસે અઠંગ ચોરને ઝડપી લેવા તપાસ હાથ ધરી પણ હજુ સુધી હાથ લાગ્યો નથી

પાલનપુર સહિત આજુબાજુના ગ્રામિણ વિસ્તારમાં ગ્રાહકના સ્વાંગમાં સોનીઓની નજર ચૂકવી દાગીના ચોરતો શખ્સ પાલનપુરમાં ચોરી કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ અંગે પૂર્વ પોલીસ મથકે જાણવા જોગ થયેલી અરજીના આધારે પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ હજુસુધી તે હાથ લાગ્યો નથી.

પાલનપુર મોટીબજારમાં રઘુભાઇ અગ્રવાલની સોના- ચાંદીની દુકાનમાં ત્રણ દિવસ અગાઉ એક અજાણ્યો શખ્સ દાગીના ખરીદવા માટે આવ્યો હતો. જેણે વેપારીની નજર ચૂકવી રૂપિયા 1.40 લાખનું 30 ગ્રામ સોનાના પેકેટની ચોરી કરી છુમંતર થઇ ગયો હતો. જેના ગયા પછી ચોરી થઇ હોવાની જાણ થતાં વેપારીએ પૂર્વ પોલીસ મથકે જાણવા જોગ અરજી કરી છે. દરમિયાન વેપારીએ તેમની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં આ શખ્સ વેપારીને અલગ - અલગ દાગીના બતાવવાના માહલે ચોરી કરતો જણાઇ આવ્યો હતો.

ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા
વેપારીઓની નજર ચૂકવી ચોરી કરતાં શખ્સથી બીજા શહેર અને ગામડાના વેપારીઓ છેતરાય નહી અને આ ચોર ઝડપાઇ જાય તે માટે વેપારીઓએ તેનો ફોટો વોટસએપ સહિતના ગૃપમાં વાયરલ કર્યા છે.

ગઢ અને પીલુચા ગામમાં પણ ચોરી કરી
અજાણ્યા શખ્સે આ અગાઉ પાલનપુર તાલુકાના ગઢ અને વડગામ તાલુકાના પીલુચા ગામે પણ ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીઓની નજર ચૂકવી ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસનું રટણ ઝડપી લેવા તપાસ ચાલુ છે
પાલનપુર પૂર્વ પોલીસ મથકના ઓફિસરે જણાવ્યું હતુ કે, વેપારીએ કરેલી જાણવા જોગ અરજીના આધારે શખ્સને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે. જેના સીસીટીવી ફૂટેજના આધારે ટીમો તપાસમાં જોતરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...