વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ:પાલનપુરમાં મંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રૂ. 523 લાખના 123 કામોનું ઇ-ખાતમૂર્હત અને ઇ-લોકાર્પણ કરાયું

બનાસકાંઠા (પાલનપુર)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના જગાણા એસ. કે. મહેતા હાઇસ્કુલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીના હસ્તે પાલનપુર પ્રાંતમાં સમાવિષ્ટ પાલનપુર અને વડગામ તાલુકામાં કુલ- 523.37 લાખ રૂપિયાના 123 કામોનું ઇ- ખાતમૂર્હત અને ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વનીકરણ, તળાવો ઉંડા કરવાના કામો, ચેકડેમ, પંચાયત ઘર અને આંગણવાડીના મકાનો, બોર અને કુવા રિચાર્જ સ્ટ્રક્ચર, ગટરલાઇનના કામો, પેવર બ્લોક, પૂર સંરક્ષણ દિવાલ, પાણીની પાઇપલાઇનો, સી.સી રોડ, સામૂહિક શૌચાલય, સ્નાનઘાટના કામોનો સમાવેશ થાય છે.

રાજ્યમંત્રીનું નિવેદન
આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાતની પ્રજાનો 20 વર્ષનો વિશ્વાસ અને રાજ્ય સરકાર છેલ્લા 20 વર્ષમાં કરવામાં આવેલી અભૂતપૂર્વ કામગીરીને પ્રજા સમક્ષ મુકવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વિકાસની યાત્રા શરૂ કરાવી છે. તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, ભૂતકાળની સરકારો માત્ર વાયદાઓ જ કરતી હતી. જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરીને ગુજરાતને સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ બનાવ્યું છે.

ગામડાઓમાં 24 કલાક વીજળી
ગુજરાતનો વિકાસ જોઇને દેશની પ્રજાએ વર્ષ-2014માં નરેન્દ્રભાઇ મોદીને દેશના વડાપ્રધાન પદનું સુકાન સોપ્યું છે. તેમણે કહ્યું કે, ગામડાઓના સર્વાંગી વિકાસ માટે આત્મા ગામડાનો પરંતુ સુવિધા શહેરની એ બાબતને ધ્યાનમાં રાખી ગામડાઓમાં 24 કલાક વીજળી સહિતની સુવિધાઓ પુરી પાડીને ગામડાઓના સમતોલ વિકાસની શરૂઆત આ સરકારે કરી છે. એટલે જ 1995 થી આજદિન સુધી પ્રજાના આશીર્વાદ આ સરકાર પર રહ્યા છે. મંત્રીએ જણાવ્યું કે, આપણી આસ્થા અને શ્રદ્ધા પ્રતિક સમાન યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાનો ઐતિહાસિક નિર્ણય આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હિલથી અંબાજી અને આબુ રોડ સુધીની 116.65 કિ.મી. નવી રેલ્વે લાઇનને મંજૂરી આપી છે. રૂ. 2800 કરોડના ખર્ચથી યાત્રાધામ અંબાજીને રેલ્વે નેટવર્કથી જોડવા માટે રાજ્ય સરકાર અને રેલ્વે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. મંત્રી એ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છે. જેના લીધે સમગ્ર રાજ્ય અને આપણો દેશ વિકાસની નવી ઉંચાઇઓ હાંસલ કરી રહ્યો છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને આવતીકાલ એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે વિશ્વાસથી વિકાસ યાત્રાના માધ્યમ દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવી રહ્યું છે.

તળાવ ભરવા માટે રૂ. 550 કરોડની યોજના
મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો, પશુપાલકોની પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સ્વીકાર કરીને કરમાવદ તળાવ ભરવા માટે રૂ. 550 કરોડની યોજના મંજૂર કરી છે. સુજલામ- સુફલામ યોજના અન્વયે કસરા- દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ યોજનાઓ સાકાર થવાથી બનાસકાંઠામાં ગ્રામીણ વિસ્તારોમાં આવનારા સમયમાં નર્મદાના જળ પીવાના તેમજ સિંચાઇના ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

પ્રજાની સેવા માટે આ સરકાર કટીબદ્ધ
મંત્રીએ શિક્ષણ ક્ષેત્રમાં થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું કે, શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા રાજ્યમાં 19 હજાર ઓરડાઓ મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે કુલ- 1600 જેટલાં નવા ઓરડાઓ મંજુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવાર સહિતની અનેક યોજનાઓ અમલી બનાવાઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં પાકા રસ્તા, આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવીને પ્રજાની સેવા માટે આ સરકાર કટીબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...