કાર્યવાહી:પાલનપુર-ઇકબાલગઢમાં 124 ચાઇનીઝ ફીરકી સાથે 4 ઝબ્બે

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લામાંથી 3થી 7 જાન્યુઆરી સુધીના ચાર દિવસમાં જ રૂ. 1.65 લાખની જીવલેણ ચાઈનીઝ દોરી ઝડપાઈ
  • પાલનપુર​​​​​​​ પૂર્વ પોલીસે 3 યુવકોને ઝડપી રૂ. 6400નો મુદ્દામાલ કબજે લીધો, અમીરગઢ પોલીસે ઇકબાલગઢમાંથી 33 ખોખા જપ્ત કરી વેપારીની અટકાયત કરી

પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટાફ શુક્રવારે પેટ્રોલીંગમાં હતો. ત્યારે પાલનપુરના જુના ડાયરા ઇમામખાના પાસે રહેતા અલ્તાફ ઇસુબભાઇ ઇસ્માઇલભાઇ સુમરાને ચાઇનીઝ દોરીની 12 ફીરકી કિંમત રૂ. 3000 સાથે ઝડપી લાધો હતો. જ્યારે પાલનપુરના ગોબરી રોડ, રામ નગર ત્રણ રસ્તા પાસે રહેતા મુકેશભાઇ ઉર્ફે ટીનો રામાભાઇ ઓડને ચાઇનીઝ દોરીની 14 ફીરકી કિંમત રૂ. 2800 સાથે ઝડપી લીધો હતો. તેમજ પાલનપુર તાલુકાના મલાણા ગામના પહેલા બસ સ્ટેન્ડ પાસે રહેતા ધિરેશભાઇ બાબુભાઇ પટણીને ચાઇનીઝ દોરીની 3 ફીરકી કિંમત રૂ. 600 તથા રિક્ષા નંબર જીજે-08-એવી-5838 ને કબજે કરી હતી.

આમ પોલીસે ચાઇનીઝ દોરીની 29 ફીરકી સાથે ત્રણ યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમીરગઢ પોલીસ ઇન્સપેકટર એમ.આર.બારોટ તથા અમીરગઢ પોલીસ સ્ટાફ વિસ્તારમાં ઉત્તરાયણ તહેવાર નિમીત્તે શુક્રવારે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી કે ઇકબાલગઢ રેલ્વે સ્ટેશનની સામે આવેલ જે.કે.સીઝન નામની દુકાનમાં ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરાય છે.

જે બાતમીના આધારે પોલીસે રેડ કરતાં જે.કે.સીઝન નામની દુકાનમાં તપાસ કરતાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-95 કિંમત રૂ.13,000 તથા નાની ફીરકી ભરેલ ખોખા નંગ-33 કિંમત રૂ.4950 મળી કુલ રૂ.17,950 ના મુદામાલ સાથે અશોકભાઇ તેજમલભાઇ અગ્રવાલ (રહે.ઇકબાલગઢ, મેઇન બજાર રેલ્વે સ્ટેશન રોડ,તા.અમીરગઢ) ની સામે અમીરગઢ પોલીસે ગુ્નો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જીવલેણ ચાઈનીઝ દોરીનો ગંદો પણ નફાનો ધંધો હોવાથી પતંગના વેપારીઓ જીવ લેતી દોરીઓ વેચવા પણ તૈયાર થઈ રહ્યા છે.

અબોલ જીવો સહિત ટું વ્હીલર ચાલકોના શરીરની આરપાર નીકળી જતી દોરી પર પ્રતિબંધ બાદ પોલીસે છેલ્લા 4 દિવસથી આખા જિલ્લામાં ડ્રાઈવ યોજીને બાદમીદારો પાસેથી બાતમી મેળવીને કેસો કરી રહી છે. 3 થી 7 જાન્યુ. સુધીના ચાર દિવસમાં જ 3,000થી વધુ ફીરકીઓ મળી 1.65 લાખની ચાઈનીઝ દોરી ઝડપાઈ છે. આટલી માત્રામાં દોરી આકાશમાં ચગી હોત તો અસંખ્ય પક્ષીઓ ઘાયલ થવાની શક્યતા હતી, હાલમાં બનાસકાંઠા પોલીસે હેલ્પલાઇન નંબર જાહેર કરી ચાઈનીઝ માંઝા વેચાતા હોય તો જાણ કરવા કહ્યું છે.

પોલીસની ચાર દિવસની ડ્રાઇવ દરમિયાન અત્યાર સુધી 3,000થી વધુ ફીરકીઓ જપ્ત કરવામાં આવી છે. આટલી બધી દોરી જો આકાશમાં ચગી હોત તો અસંખ્ય પક્ષીઓ ઘાયલ થવાની શક્યતા હતી. પક્ષીઓને બચાવવા માટે પોલીસે જાણે જીવદયાનું કાર્ય કર્યું હોય તેવું જીવદયા પ્રેમીઓ માની રહ્યા છે.

કેટલાક વેપારીઓ ઓનલાઇન ઓર્ડર કરે છે જેથી આ કારોબાર જલ્દી પકડાતો નથી
ઓનલાઇન બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓ ચાઈનીઝ માંઝા ઓનલાઇન વેચાણમાં મૂકે છે અને તેની ઓર્ડર પ્રક્રિયા દરમિયાન જે વ્યક્તિને દોરી જોઈએ તેના ઘર સુધી ડીલીવરી પણ થઈ જાય છે એટલે પોલીસે ચાઈનીઝ માંઝાથી પતંગ ઉડાડનાર સામે પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...