પાલનપુરમાં રવિવારે એક્ટિવા લઈને પસાર થતાં નિવૃત શિક્ષકને હડકાઈ બનેલી ગાયે પટકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ હજુ પાલિકા માત્ર તમાશો જોઈ રહી છે.છેલ્લા ઘણા દિવસોથી ગાયોનો ત્રાસ વધી ગયો છે. પાલિકામાં લેખિત તેમજ મૌખિક રજુઆત કરાઇ છે છતાં ગાયો પકડવાની કાર્યવાહી કરાઈ નથી.
રવિવારે નિવૃત શિક્ષક દશરથભાઈ લીમ્બાચીયા બિહારીને ગાયે પગ નીચે કચડી નાખી મારી નાખ્યા હતા.હાઇવે વિસ્તારની ઘણી જ સોસાયટીઓમાં ગાયોનો ત્રાસ વધ્યો છે તેમ રહીશોએ જણાવ્યું હતું. દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ પારપડા રોડની મુલાકાત લેતાં શિવમહેલ સોસાયટી સામે જ 20 ગાયોનો ખડકલો જોવા મળ્યો હતો.
ગાયો પકડવાનું ટેન્ડર કોઈ ભરતું નથી
નગરપાલિકાના સેનીટેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘પાલનપુર વિસ્તારમાં રખડતી ગાયોને લઈ તેમને પાંજરામાં પૂરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જોકે એકપણ વ્યક્તિએ ટેન્ડર ન ભરતા હાલમાં ટેન્ડર ખાલી પડ્યું છે. કોઈ વિસ્તારમાં ગાયમાંથી ફોન આવે તો પાલિકાની ટીમ ત્યાં પહોંચી તેમને યોગ્ય સ્થળ પર ખસેડવામાં આવે છે.
મહાજન હોસ્પિટલ પાસે બે આખલાનું યુદ્ધ
શનિવારે મહાજન હોસ્પિટલ નજીક બે આખલા લડ્યા હતા. જેને લઇ સ્થાનિક વેપારીઓએ હાથમાં લાકડી લઇ બંને આખલાઓને ભગાડવાની કોશિશ કરી હતી. જ્યાં એક આખલાએ દુકાન નજીક પડેલ ખુરશી તોડી નાખી હતી. આખલાઓ છુટા પડતાં વહેપારીઓએ તેમજ રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
બે દિવસ અગાઉ બેને ઈજા પહોંચાડી હતી
બે દિવસ અગાઉ પારપડા રોડ નજીક આવેલ શિવ મહેલ સોસાયટીના જગદીશચંદ્ર મેવાડા વહેલી સવારે સોસાયટીના બહારના માર્ગ ઉપરથી દૂધની થેલી ખરીદીને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ગાય પાછળ પડી હુમલો કરી વૃદ્ધને શીગડાં મારી ઘાયલ કર્યા હતા. દરમિયાન સોસાયટીના રાકેશભાઈ પ્રજાપતિ નામના શિક્ષક જોઇ જતાં વૃદ્ધને છોડાવ્યા હતા. જોકે વિફરેલી ગાયે રાકેશભાઈ પ્રજાપતિને પણ ઇજા પહોંચાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.