પાલનપુર એરોમા સર્કલે ખાનગી ટ્રાવેલ્સની ટિકિટ બુક કરવાના મુદ્દે દિયર અને તેમના ભાઇ- ભાભી વચ્ચે મારામારી થઇ હતી. જેમાં મોટાભાઇએ તેના નાનાભાઇના પેટ ઉપર બચકું ભરી લીધુ હતુ. તેમજ ભાભીઅે ગડદાપાટુનો મારમાર્યો હતો. આ અંગે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. પાલનપુર હરિઓમ સોસાયટીમાં રહેતા નયનાબેન અને તેમના પતિ પ્રવિણભાઇ દિલીપભાઇ તોલાની એરોમા સર્કલે ખાનગી ટ્રાવેલ્સની ટિકિટ બુક કરે છે. જ્યાં ગુરૂવારે સાંજે એક મુસાફરે ફોન કરી ટિકિટ બુક કરાવી હતી. અને બસ આવવાની તૈયારી હોઇ પ્રવિણભાઇએ જલ્દી આવવાનું કહ્યુ હતુ.
જોકે, મુસાફરે તેમના ટેબલની બાજુમાં તેમના દિયર ભરતભાઇ દિલીપભાઇ તોલાની પાસે ટિકિટ બુક કરાવી દીધી હતી. આથી આ અંગે કહેવા જતાં ભરતભાઇએ તેમના ભાભી નયનાબેન અને ભાઇ ઉપર ઉશ્કેરાઇ જઇ લાફો તેમજ ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે નયનાબેને પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામે ભરતભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પ્રવિણભાઇ અને નયનાબેને મારા મુસાફરોની ટિકિટ કેમ તે બુક કરી તેમ કહી પ્રવિણભાઇએ તેમના પેટ ઉપર બચકું ભરી લીધું હતુ. જ્યારે ભાભીએ ગડદાપાટુનો મારમારી બંનેએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.