વિશ્વ કલ્યાણ, વિશ્વશાંતિ અને સામાજિક ઉત્કર્ષ માટે મા અર્બુદા સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને પંચામૃત મહોત્સવના આયોજકો સાથે પાલનપુર ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. તા. 3 થી 5 ફેબ્રુઆરીના રોજ માતૃ આર.વી.ભટોળ ઇંગ્લિશ મિડીયમ વિદ્યાસંકુલ, લાલાવાડા-જગાણા રોડ, લાલાવાડા પાલનપુર ખાતે યોજાનાર મા અર્બુદાના રજત મહોત્સવ નિમિત્તે 108 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તા. 1 લી ફેબ્રુઆરીના રોજ સમગ્ર જિલ્લામાં સફાઇનું મહાઅભિયાન યોજાશે તથા તા. 2 જી ફેબ્રુઆરીના રોજ સવારે-9 વાગ્યાથી વિશાળ શોભાયાત્રા નિકળશે. તેવી જ રીતે તા. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન થરા સમૈયો પંચામૃત મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠાો મહોત્સવ, 3001 દિકરીઓના સમૂહ લગ્ન, મહારૂદ્ર યજ્ઞ, ભંડારા મહોત્સવ અને સમસ્ત ભરવાડ સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તા હનું આયોજન કરાયું છે.
શિવ અને શક્તિની ઉપાસનાના આ બંને કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે યોજાયેલી બેઠકમાં કલેક્ટર આનંદ પટેલે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપતા જણાવ્યું હતું કે, તા. 2 જી ફેબ્રુઆરીના રોજ વિશાળ શોભાયાત્રા નિકળવાની હોવાથી ટ્રાફિક નિયમન, કાર્યક્રમના સ્થળે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, પોલીસની સાથે સમાજ દ્વારા પણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવે, પબ્લીક એડ્રેસ સીસ્ટમ, વાહન પાર્કિગના સ્થળો નક્કી કરવા, રસ્તા મરામત, 108 એમ્બ્યુલન્સ સેવા અને મેડીકલ ટીમો તૈનાત રાખવા ઉપરાંત કોઇ અનિચ્છનિય ઘટના બને તો તેને પહોંચી વળવા બનાસ મેડીકલ કોલેજ, ધારપુર મેડીકલ કોલેજ અને વડનગર મેડીકલ કોલેજ સહિત વડગામ, કાંકરેજ, ડીસા સહિતના સંબંધિત વિસ્તારના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓના પુરતા જથ્થા સાથે સ્ટાફ રાખવામાં આવે, સતત વીજ પુરવઠો જળવાઇ રહે, પુરતા પ્રમાણમાં એસ.ટી.બસની સુવિધા, રસ્તાઓ ઉપરના દબાણો દૂર કરાવી મોબાઇલ ટોયલેટ અને ફાયર ફાઇટરની વ્યવસ્થા રાખવી, પીવાના પાણીની વ્યવસ્થા, રખડતા ઢોરોને વાડામાં પુરવા પશુપાલકો સાથે બેઠક યોજીને જરૂરી પગલાં લેવામાં આવે, જે વિસ્તારમાં આ કાર્યક્રમો યોજાવાના છે એ વિસ્તારની શાળાઓમાં સ્થાનિક રજા જાહેર કરવા સહિતની જે પણ કામગીરી વહીવટી તંત્ર તરફથી કરવાની થાય છે તે અંગે આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.