આક્ષેપ:લાખણીના કોટડામાં સાત પૈકી માત્ર એક જ દબાણ ખુલ્લું કરાતાં ઉંહાપોહ

લાખણી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયત દ્વારા ભેદભાવની નિતી રાખતાં હોવાનો ગ્રામજનોમાં આક્ષેપ

લાખણી તાલુકાના કોટડામાં ગ્રામપંચાયત દ્વારા સાત જેટલા દબાણકારોને નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેમાં માત્ર એક જ દબાણ દુર કરાવીને ભેદભાવની નિતી રાખવામાં આવી હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે. લાખણી તાલુકાના કોટડાના ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે 200 કરતાં વધુ વિઘા જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે. જે પૈકી સાત જેટલા દબાણકારોને તે દુર કરાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા બે ચાર દિવસ પહેલાં નોટીસો આપવામાં આવી હતી.

જેમાં રઘાજી મેઘાજી સોલંકી, ભુરીયા વાધાજી હેમાજી, કમાજી દલાજી કાગ તથા મોતીભાઇ પુનમાજી કુકલ સહિત સાતને નોટીસ આપવામાં આવી હતી. મોતીભાઇ સહિત બે દબાણકારોએ સરકારે રહેણાંક હેતુ માટે ફાળવેલ 100 વારનો પ્લોટ કોમર્શિયલ કરાતાં શરતભંગના કારણે તે ગેરબંધારણીય હોઇ તેને ખાલી કરવા અથવા બે દિવસમાં તેના આધારપુરાવા રજુ કરવા જણાવાયું હતું.

જો કે પંચાયત દ્વારા સાત પૈકી માત્ર એક જ દબાણકાર કમાભાઇ કાગ દ્વારા કરવામાં આવેલ વાડાનું દબાણ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરાવવામાં આવતાં ઉંહાપોહની લાગણી સર્જાવા પામી હતી.આ અંગે ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી રૂપેશભાઇ સુથારે ગ્રામ પંચાયતના રેકર્ડ પર દબાણોમાં વિસંગગતા હોઇ ખરાઇ કરીને તપાસ ટીમ બોલાવીને આગળની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે ટીડીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. જ્યારે બે વખત નોટીસ આપવા છતાં દુર નહી કરે તો હજુ ત્રીજી નોટીસ આપ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...