ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કાંકરેજ બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની જીત થયા બાદ આજે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાવના કૉંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી કૉંગ્રેસના નેતાઓની હાજરીમાં જ કેટલીક કડવી લાગે તેવી વાતો કરી હતી. કૉંગ્રેસના કાર્યક્રમમાં ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા હતા અને નામ લીધા વિના કૉંગ્રેસમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહેલાઓને આડેહાથ લીધા હતા.
કૉંગ્રેસના કાર્યક્રમમાં ભાજપની સ્ટ્રેટેજીના વખાણ
કાંકરેજ વિધાનસભા પર વિજેતા થયેલા કૉંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા આજે ચાંગા ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધન દરમિયાન ભાજપની ચૂંટણી સ્ટ્રેટેજીના વખાણ કરતા કહ્યું હતું કે, ભાજપ આખી સરકાર બદલી નાખે તોય કોઈ ના બોલ, મુખ્યમંત્રી બદલી નાખે તો પણ કોઈ ના બોલ, ટિકિટ કાપી નાખે તો પણ કોઈ અવાજ ન ઉઠાવે અને આપણે તો કંઈ વધ્યું નથી તો પણ રોજ ઉઠીને શેના ભાગ પાડવાના રહી ગયા છે એ જ ખબર પડતી નથી. આવનારા સમયમાં પાર્ટીએ નવેસરથી સંગઠન ઉભું કરવું પડે.
5 વર્ષ બે હજાર જ લોહી પીવાના- ગેનીબહેન
ગેનીબહેને કોઈ નેતા કે કાર્યકર્તાઓનું નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું હતું કે, વાવ વિધાનસભામાં મને એક લાખને બે હજાર વોટ મળ્યા.આ પાંચ વર્ષની અંદર આ બે હજાર જ લોહી પીવાના. ટિકિટ એને જોઈએ, કોન્ટ્રાક્ટના કામ એને જોઈએ, પૈસા એને જોઈએ, એ જ્યાં કહે ત્યાં હાજર રહેવાનું.ઓલા એક લાખ તો બિચારા આવતા જ નથી, આ બે હજાર જ લોહી પીવાના.
'કૉંગ્રેસના નેતાઓને પરિશ્રમ નથી કરવો'
ગેનીબહેન ઠાકોરે કહ્યું કે, આજે રાહુલજી 3000 કિમી ચાલે છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી અને આપણે કૉંગ્રેસના નેતાઓ, આગેવાનો અમે બધા AC ગાડીમાંથી કાચ ખોલવા નથી, પરિશ્રમ નથી કરવો. આ ભાજપ વાળા વહીવટીતંત્રનો દુરુપયોગ કરે પણ એ મહેનત પણ કરે છે.પાર્ટીની અંદર શિસ્ત અને કડકાઈ આવે.
કોણ છે ગેનીબહેન ઠાકોર?
ગુજરાત વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર કૉંગ્રેસના ગેનીબહેન ઠાકોરે જીત મેળવી છે. વાવ બેઠક પર 2017ની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવ્યા બાદ 2022માં સતત બીજી જીત મેળવી છે. ગેનીબહેન ઠાકોર પોતાના નિવેદનોને લઈ અનેકવાર ચર્ચામાં આવી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.