આત્મહત્યા મામલે અથડામણ:અમીરગઢના ગરાસિયા ગામે ટોળાએ તોડફોડ કરી આંગચંપી કરતા નાસભાગ મચી, સગીરાએ આત્મહત્યા કરતા પરિવારે ચડોતરૂ કર્યું

પાલનપુર17 દિવસ પહેલા
  • રબારીયા ગામની સગીરાએ મિત્ર સાથે લગ્નમાં ગયા બાદ આત્મહત્યા કરી હતી
  • ગરાસીયાપુરામાં મિત્રના ઘર આગળ જ સગીરાની અંતિમવિધિ કરી ઘરની આગચંપી
  • જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો

અમીરગઢના રબારીયા ગામે મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક સગીરાએ આત્મહત્યા કરી લીધી હતી. આ દરમિયાન ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના મિત્રના ઘર આગળ લઈ ગયા હતા અને ત્યાં ચડોતરૂ કરી ઘરમાં તોડફોડ કરી હતી. તેમજ આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી. ટોળાએ હુમલો કરી મકાનોમાં તોડફોડ કરી હતી. જેથી જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો દોડી જઇ સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું.

ટોળાએ સમગ્ર ગામને બાનમાં લીધું હતું
અમીરગઢના રબારીયા ગામની સગીરા તેના મિત્ર સાથે લગ્નમાં ગઈ હતી. જે દરમિયાન મંગળવારે તેનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકોનું ટોળું ગુરુવારે મિત્રના ગામ ગરાસીયા પુરા ગયા હતા અને પછી ચડોતરૂ કરાયું હતું.

કેટલાક લોકો ગામ છોડીને નાસી ગયા
લોકોના ટોળાએ આખા ગરાસિયાપુરા ગામને બાનમાં લીધું હતું. કેટલાક લોકો ગામ છોડીને નાસી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલા સાધન સામગ્રીની તોડફોડ કરી મોટુ નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી. જે બાદ મૃતદેહની ત્યાં જ અંતિમવિધિ કરાઈ હતી.

70 લોકો વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો
આ સમગ્ર ઘટનાને લઇને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત પોલિસ કાફલો ગરાસિયાપુરા ગામે દોડી આવ્યો હતો. સમગ્ર ગરાસિયાપુરા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. આ બનાવને લઈ અમીરગઢ પોલીસ દ્વારા 70 જેટલા લોકો વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાંથી 10 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...