સેવા ધર્મ:ઢીમામાં 50 યુવાનોની ટીમે ગાયોની સેવા કરી લમ્પીના રોગ પર 22 દિવસે નિયંત્રણ મેળવ્યો

પાલનપુરએક મહિનો પહેલાલેખક: નરેશ ચૌહાણ
  • કૉપી લિંક
  • 22 દિવસમાં 350થી વધુ ગાયોના મોત, દફનવિધિ સરપંચે જેસીબી મશીનથી ખાડા ખોદાવીને કરી

1200 ઘર ધરાવતા વાવ તાલુકાના ઢીમા ગામમાં દૂર દૂરથી ધરણીધર ભગવાનના દર્શન કરવા દર પૂનમે હજારો ભક્તો ઉમટે છે. કૃષ્ણના અવતાર એવા ધરણીધરની ઊભી મૂછાળી કાળી પ્રતિમા અહી પૂજાય છે. એવી ભૂમિ પર પાછલા પશુપાલકો ગાયોના મોતથી પીડા અનુભવી રહ્યા હતા ગામના યુવાનોએ સેવા કરી સેંકડો ગાયોને મરતા બચાવી સેવા ધર્મ બજાવ્યો છે.

ઢીમા ગામમાં લગભગ તમામ ઘરો મોટા દરવાજા ડેલી કે ઝાંપા વાળા છે. રમીબેન રાજપૂતના પરિવારમાં 20 દિવસમાં પાંચ ગાયો મોતને ભેટી છે. તેમણે જણાવ્યું કે "પહેલા ગાયોને પગે ગાંઠ થઈ. અમને એમ કે દેવનું દુઃખ છે. મટી જશે. ધીરે ધીરે આખા શરીરમાં ગાંઠો વધી ગઈ. અનેક ગાયોને બહારના ભાગમાં ગાંઠો હતી જે સાજી થઈ જતી હતી. પરંતુ અમારી ગાયોને અંદર ગાંઠો ફૂટી એટલે પહેલા બે અને પછી ત્રણ ગાયો મરી ગઈ. અમે 15 લીટર દૂધ ડેરીમાં ભરાવતા હતા હવે પાંચ લીટર ભરાવીએ છીએ. અમને દુઃખ છે કે અમે ડોક્ટરને ના બોલાવ્યા." ગામના ધવલ નામના યુવકે જણાવ્યું કે " અમારા ગામમાં ગાયોને છોકરાઓએ સેવા કરીને મરતા અટકાવી છે.

હાલ 100 ગાયો બીમાર છે જેની સેવા ગામના યુવાનો સારી રીતે કરી રહ્યા છે. " ઢીમા ગામની બહાર ગામડી વિસ્તારમાં શુક્રવારે બપોરે દર્દથી કણસતી એક ગાયના શરીરમાંથી કેટલાક યુવાનોની ટીમ ગાયોની સારવાર કરી રહી હતી. ગાયના શરીરમાં પગના ભાગે જીવડા પડી જતા યુવાનો એમના હાથથી જીવડા કાઢી રહ્યા હતા. બે યુવાનો જ્યાં જ્યાં જીવડા નીકળી ગયા હતા ત્યાં ડ્રેસીંગ કરીને મલમ લગાવી રહ્યા હતા. કેટલાક યુવાનોએ ગાયને દોરડાથી તે હલે નહીં તે માટે તેને પકડી રાખી હતી.

પાછલા 22 દિવસથી આ પ્રકારની સેવા ગામના આ યુવાનો કરી રહ્યા છે. જેમાં જુદી જુદી ટીમો અલગ અલગ કામગીરી કરી રહી છે. એક ટીમ આખો દિવસ ગામડામાં ફરે છે સર્વે કરે છે. જે ગાયો બીમાર છે તેમને ગોળનું પાણી પીવડાવવું, બીમાર ગાયો એકઠી કરવા સહિતની કામગીરી કરે છે. બીજી ટીમ બીમાર ગાયોની સારવાર કરવાનું કામ કરે છે. ત્રીજી ટીમ રાત્રે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી ઢીમાને જોડતા રસ્તાઓ ઉપર જ્યાં જ્યાં ગાયો છે તેમને પૌષ્ટિક ખોરાક આપવાનું કામ કરે છે. જ્યારે અન્ય એક ટીમ સરપંચ સાથે મળી મૃત પશુઓના નિકાલની કામગીરી કરે છે.

ઢીમા ગામના ગામના સરપંચ માનાભાઈએ જણાવ્યું કે " મેં મારા ખર્ચે જેસીબી લાવીને ખાડા ખંદાવી ગાયોના મૃતદેહનો નિકાલ કર્યો છે જેથી ગામમાં તીવ્ર દુર્ગંધથી રોગચાળો ના ફેલાય." ગામના જાગૃત નાગરિક વર્ધાભાઈએ જણાવ્યું કે" સરપંચ સાથે રણુજા પ્રવાસ દરમિયાન રસ્તામાં અનેક ગાયો મોતને ભેટેલી દુર્ગંધમય હાલતમાં જોઈ. જેથી તકેદારીના ભાગ રૂપે સરપંચે જેસીબી ટ્રેક્ટર અને ચાર પાંચ શ્રમિકો સાથે મળીને ગાયોના મૃતદેહોના નિકાલ કરવાની કામગીરી કરી હતી. પાછલા 22 દિવસથી રોજ 20થી 30 મૃતદેહોનો નિકાલ કર્યો છે.

રૂ. 24 લાખ ભેગા થયા, 18 લાખ ગાયો પાછળ ખર્ચ્યા
યુવાનોને એકઠા કરીને ટીમ બનાવી સેવાભાવી પ્રવૃત્તિ કરતા રમેશ ચૌધરીએ જણાવ્યું કે "આઠ મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગામને એકઠા કર્યા. સંત સૂરદાસજીની સેવા જીવંત રાખવા ગામની પાછલા પાંચ વર્ષથી રખડતી ભટકતી 200-250 ગાયોને નિભાવણી કરવા માટે ગૌશાળા શરૂ કરી. ગામના લોકોએ છૂટા હાથે દાન આપવાનું શરૂ કર્યું. માત્ર 8 મહિનામાં 24લાખથી વધુ જમા થઈ ગયા. જેમાં ગાયોના રખ રખાવો પાછળ જ અત્યાર સુધી સાત મહિનામાં 18 લાખથી વધુ ખર્ચ થયો છે.

અન્ય સમાચારો પણ છે...