આ વખતની ચૂંટણીમાં રાજકીય મહત્વકાંક્ષાઓ એટલી વધી ગઈ છે કે ભાજપ સામે બંડ પોકારી સત્તા હાંસલ કરવા નેતાઓએ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરીને પોતાના અણસાર વ્યક્ત કર્યા છે.કેટલીક બેઠકો ઉપર ઈતર સમાજનું તો કેટલીક બેઠકો ઉપર પોત પોતાના સમાજનું સમર્થન પણ સાંપડી રહ્યું છે.તેવામાં આ અપક્ષો રાજકીય પક્ષોની બાજી બગાડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ધાનેરામાં ભાજપના માવજી દેસાઈ, વાવમાં કોંગ્રેસના અમીરામ આસલ,ડીસામાં તાલુકા ભાજપ પ્રમુખ લેબજી ઠાકોર અને જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ તેમજ ડીસા તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ધૂંખની અપક્ષ દાવેદારી રાજકીય પક્ષોનું ગણિત બગાડી નાખી તેવો ઘાટ ઘડાયો છે. જ્યારે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીના લીધે ત્રિકોણીયા જંગની સ્થિતિ સર્જાઈ છે. ધાનેરામાં ભાજપ દ્વારા માવજી દેસાઇની ટિકિટ કાપીને ભગવાન પટેલને આપવામાં આવી હતી,જેથી ભાજપમાં જુથવાદ ઉભો થયો છે અને ભાજપમાંથી છેડો ફાડીને માવજી દેસાઇએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.
આ સમયે ભાજપના ઉમેદવાર ભગવાનભાઇ પટેલ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતુ.વાવ વિધાનસભામાં ભાજપ પાર્ટી દ્રારા નવો ચહેરો સ્વરૂપ ઠાકોર કે જેને વાવ સુઇગામ તાલુકામાં મતદારો ઓળખતા પણ નથી કે ભાજપની મિટીંગમાં પણ જોવા મળેલ નથી તેવા ને ટિકિટ આપી છે જેને લઈ ભાજપ કાર્યકરોમાં કચવાટ ઉભો થયો છે.
જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ગેનીબેન ઠાકોરને રિપીટ કર્યા છે જેને લઈ ઠાકોર સામે ઠાકોર હોઈ ઠાકોર મતોનું વિભાજન થશે,જ્યારે દલિત સંગઠનના શાંતિભાઈ રાઠોડ તેમજ કોંગ્રેસ પાર્ટીના અને ગત ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સાથે રહેનાર જિલ્લા કારોબારી અમીરામભાઈ આશલે અપક્ષ ઉમેવારી નોંધાવતા બને પક્ષોને નુકશાન થવાનો ડર સતાવી રહયો છે.
ડીસામાં પણ ભાજપ પાર્ટીએ સૌથી મોટો મતદાર ધરાવતા સમાજ ઠાકોર સમાજને ટિકિટ ના આપતા ઠાકોર સમાજમાં ખૂબ જ નારાજગી પ્રવર્તી હતી ભાજપે પ્રવીણ માળીને ટિકિટ આપતા ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજી ઠાકોર અને જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ તેમજ ડીસા તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ધૂંખ બંનેએ અપક્ષ ઉમેદવાર તરીકે મોરચો માંડ્યો છે.
2017માં 142 ફોર્મ ભરાયા હતા આ વખતે 133 ઉમેદવારોના 193 ફોર્મ ભરાયા
બનાસકાંઠાની 9 વિધાનસભામાં બીજા તબક્કાના ફોર્મ ભરવાના અંતિમ દિવસે 193 ફોર્મ ભરાયા છે. ગત ચૂંટણીમાં 142 ફોર્મ ભરાયા હતા. જેમાં 133 પુરુષો અને 9 મહિલાઓ સામેલ હતી. આ વખતે 9 વિધાનસભા બેઠક પર સ્ત્રી પુરુષ 133 ઉમેદવારોએ 193 ફોર્મ ભર્યા છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે "જે વિધાનસભામાં કુલ ફોર્મ ભરાયા છે તેમાં વાવ-15, થરાદ-25, ધાનેરા-27, દાંતા-12, વડગામ-21, પાલનપુર-30, ડીસા-24, દિયોદર-19 અને કાંકરેજ-20નો સમાવેશ થાય છે ભાજપ અને કોંગ્રેસમાંથી જેમને મેન્ડેડ મળ્યો છે તે ઉપરાંત ડમી ઉમેદવારોના પણ ફોર્મ ભરાયા છે. ઉપરાંત આમ આદમી પાર્ટી સહિત અન્ય રાજકીય પાર્ટીઓના અને અપક્ષના પણ ફોર્મ ભરાયા છે. જે બાદ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન નવ બેઠકોના જુદા જુદા કારણોસર 34 ફોર્મ રદ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.