ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામે પંચાયતમાં મૃતકોના નામે કાગળ પર બનેલા શૌચાલયો ખરેખર અસ્તિત્વમાં ન હોવાના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારી સહિત તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગામમાં બનેલા શૌચાલયોનું જાત નિરીક્ષણ કર્યું હતું.કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘર ઘર શૌચાલય અને વ્યક્તિગત શૌચાલય બનાવવાની યોજનાઓ ઘડીને લાભાર્થીઓને શૌચાલય બનાવવા સહાય અપાઈ રહી છે.
આ યોજનામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે હોવાની વાતો કરાઈ રહી છે પરંતુ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક શૌચાલય કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના એક જાગૃત નાગરિક દ્વારા ગામમાં બની રહેલા શૌચાલયોમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા હતા.
જોકે પ્રાથમિક તપાસમાં જ કૌભાંડ હોવાનું ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કડક બનાવી જેને પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને સખી મંડળના કર્મચારીઓ, અધિકારીઓમાં ફફડાટ પ્રસર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.