ડીસા શહેરના લાટી બજારથી હરીઓમ સ્કુલ જવાના રસ્તા પર બની રહેલ શોપિંગ સેન્ટરના માલિકે મંજૂરી કરતાં વધુ બાધકામ કરતાં નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી હાલ પુરતું કામ અટકાવી દેવામાં આવ્યું છે. ડીસા શહેરના લાટી બજાર વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં ચાલી રહેલા કામ પર નગરપાલિકા દ્વારા મનાઇ હુકમ આપવામાં આવ્યો છે. લાટી બજારથી હરીઓમ શાળા તરફ જતાં વ્હોળામાં એકતા એજન્સીની બાજુમાં શોપિંગ સેન્ટરનું બાંધકામ કામ ચાલી રહ્યું છે.
આ કામકાજ શરૂ કરતાં પહેલાં શોપિંગ કોમ્પલેક્ષના માલિક દ્વારા મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં તે અંગે ડીસા નગરપાલિકા દ્વારા અગાઉ ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી હતી અને નોટિસ ફટકાર્યાં બાદ શોપિંગ કોમ્પલેક્ષના માલિકને પોતાનો જવાબ રજૂ કરવા માટે પાલિકા કચેરી બોલાવવામાં આવ્યા હતા.પરંતુ શોપિંગ કોમ્પલેક્ષના માલિક દ્વારા આ નોટિસનો કોઇ જ પ્રકારનો પ્રત્યુત્તર જવાબ આપવામાં ન આવતાં પાલિકાના દબાણ શાખાના અધિકારી મનોજભાઇ પટેલ અને સંદીપભાઇએ ચાલી રહેલા બાંધકામને તાત્કાલીક અસરથી બંધ કરી દેવાનો મનાઇ હુકમ આપ્યો છે.
સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી કામ બંધ રહેશે
શોપિંગ સેન્ટરની બાંધકામની મંજુરી આપી છે પરંતુ તેઓએ મંજૂરી કરતાં વધુ બાધકામ કર્યું છે. આથી બિલ્ડર દ્વારા નોટિસનો જવાબ આપી સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી કામગીરી અટકાવી છે તેમ ડીસા નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.