બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા બેઠક વિસ્તારમાં ગત રાત્રિએ કૉંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ગુમ થવાની વાત વહેતી થતાં પોલીસ દોડતી થઈ હતી. મોડી રાત્રે આ ઘટનાને લઈ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ગાંધીનગર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત માટે પણ પહોંચ્યા હતા. જોકે બાદમાં રાત્રિના સમયે કાંતિ ખરાડી મળી આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ, દાંતા બેઠક પર ભાજપના ઉમેદવારે પણ કૉંગ્રેસના ઉમેદવાર દ્વારા હુમલાના પ્રયાસનો આક્ષેપ કરતાં રાજનીતિ ગરમાઈ છે. ત્યાર બાદ આજે ઘાઘુ પ્રાથમિક શાળા ખાતે કાંતિ ખરાડી મતદાન કરવા પહોંચ્યા હતા.
ગુમ થયા બાદ કાંતિ ખરાડી મળી આવ્યા
ગત રાત્રે દાંતા વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ગુમ થયા બાદ જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ રજૂઆત કરતાં પોલીસે શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ મોડી રાત્રે કાંતિ ખરાડી મળી આવ્યા હતા. તેઓ પર હુમલાનો પ્રયાસ થતાં બચવા માટે તેઓ વાડી વિસ્તારમાં સંતાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. કાંતિ ખરાડી મળી આવ્યા બાદ તેમને દાંતા લાવવામાં આવતાં તેના સમર્થકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.
મારી પર તલવાર લઈ મારવા દોડ્યા: લધુ પારઘી
તો સામે પક્ષે દાંતા બેઠક પર ભાજપના ઉમેદવાર લધુ પારઘી તેમના પર હુમલો થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હું દાંતા ભાજપ કાર્યાલયથી મારી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે રસ્તામાં કાંતિ ખરાડીની 25 જેટલી ગાડીઓ સામે આવી જતાં મારી ગાડીને ટક્કર મારી ગાડીને તોડી નાખેલી છે અને બધા ધોકા-તલવારો લઈ ઊતરી પડ્યા હતા. મને મારવા માટે ઊતરી પડતાં હું મારા જીવને બચાવ માટે ત્યાંથી ખેતરમાં ઘૂસી નાસી ગયો અને હડાદ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.
ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા
બનાસકાંઠા જિલ્લામાં દાંતા વિધાનસભા પર ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોએ એકબીજા પર હુમલો કર્યાના આક્ષેપો ઉપરાંત થરાદ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાના પગલે રેન્જ આઈજી જે.આર. મોથલિયા બનાસકાંઠા પહોંચ્યા હતા અને એસપી પાસેથી સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી હતી.
ના ડર્યા છીએ, ના ડરીશું: રાહુલ ગાંધી
દાંતાના ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલો થયો હોવાના મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે કોંગ્રેસના આદિવાસી નેતા અને દાંતા વિધાનસભાના ઉમેદવાર કાંતિ ખરાડી ઉપર BJPના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો હતો અને હાલ તેઓ ગુમ છે. કોંગ્રેસે ECના અર્ધસૈનિક બળને તહેનાત કરવા માગ કરી છે, પરંતુ આયોગ સૂઈ રહ્યું હતું. ભાજપ સાંભળી લે, ના ડર્યા છીએ, ના ડરીશું, મજબૂતીથી લડીશું.
ભાજપ દ્વારા કાંતિ ખરાડી પર હુમલો કરવામાં આવ્યો: જગદીશ ઠાકોર
મતદાનની આગલી રાત્રે દાંતાના ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિ ખરાડીનું અપહરણ થતાં કોંગ્રેસ ખેમામાં દોડધામ મચી હતી. આ ઘટનાને લઈને જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કાંતિ ખરાડી અને કાર્યકર્યો પર હુમલો કરવામાં આવ્યો છે અને તેમની ગાડી પલટી ખાઈ હતી. પહેલા કાંતિભાઈના ફોનની રિંગ વાગતી હતી, પરંતુ બાદ હવે ફોન સ્વિચ-ઓફ થયો હતો. તેમનો અને કાર્યકર્તાનો કોઈ પત્તો જ નથી. આ મામલે ભજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ભાજપના ગુંડાઓ અને સરકારના બળે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય અને ઉમેદવાર પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું કે આવી ગુંડાગીરી અને લુખ્ખાગારી કરવાવાળા ભાજપને મતદાનમાં જોરદાર જવાબ આપો.
પોલીસ-તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી થશે: SP
આ ઘટનાને પગલે પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આ અંગેની જાણ થતાં જ સમગ્ર પોલીસતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ત્યાર બાદ કાંતિ ખરાડીનો સંપર્ક કરી લેવામાં આવ્યો હતો અને તેમની ફરિયાદ લેવામાં આવી હતી. ફરિયાદમાં કોઈપણ જગ્યાએ કાંતિ ખરાડીનો અપહરણ થયું હોય તેવું જણાવવામાં નથી આવ્યું. આ ઉપરાંત લધુ પારઘીની ફરિયાદ લેવામાં આવી છે. બંને જૂથો સામસામે લડ્યાં હોઈ, પરંતુ બંનેમાંથી કોઈપણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.
કાંતિભાઈ ખરાડીએ મતદાન કર્યું
દાંતા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી મોડી રાત્રે ગુમ થયા બાદ વાડીમાંથી મળી આવ્યા હતા. ત્યાર બાદ આજે ઘાઘુ પ્રાથમિક શાળા ખાતે તેમણે સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં ઊભા રહી મતદાન કર્યું છે. આ તકે કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ખરાડીએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.