છેલ્લા બે સપ્તાહથી બાંધકામમાં સૌથી મહત્વનું ગણાતુ મટીરીયલ ક્વોરી કપચીના ઉત્પાદકોની હડતાળ ચાલી રહી છે જેના કારણે સરકારી ઉપરાંત ખાનગી બાંધકામના કામો ઠપ્પ થઇ ગયા છે.હાલમાં જે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો પાસે જે થોડો ઘણો કપચીનો સ્ટોક પડ્યો છે તેઓના કામો સાવ ધીમી ગતિએ ચાલી રહ્યા છે અને સ્ટોક પણ પૂરો થઇ જવાની હવે તૈયારી છે.
જો કે હાલમાં સરકારી અને ખાનગી બંને ક્ષેત્રે પાયા ભરવા, લાદી ફીટીંગ, વિન્ડો ફીટીંગ, રેલીંગ, ફેબ્રીકેશન સહિતના નાના-નાના પરચુરણ કામો ચાલી રહ્યા છે. બાકી સૌથી મહત્વના ગણાતા ચણતર, પ્લાસ્ટર, આરસીસી વર્કનું કામકાજ લગભગ ઠપ્પ થઇ જવા પામ્યું છે.
પાલનપુર શહેરના કન્સ્ટ્રકશન ક્ષેત્રે સંકળાયેલા બિલ્ડર સુત્રો પાસેથી મળી રહેલી વિગતો મુજબ ક્વોરી ઉત્પાદકોની છેલ્લા બે સપ્તાહની હડતાળના પગલે ખાસ કરીને બિલ્ડીંગ,ટેનામેન્ટ તથા મકાનના કામોમાં એકદમ મંદ ગતિ આવી ગઇ છે. જિલ્લામાં બિલ્ડીંગ, મકાનના લગભગ 1000 જેટલા નાના-મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
આ ઉપરાંત ચાલી રહેલા સરકારી બ્રીજ, બિલ્ડીંગ, રોડ-રસ્તા સહિતના કામો પણ ઠપ્પ થઈ જવાની સ્થિતિમાં છે. દરમિયાન વધુમાં જો ક્વોરી ઉત્પાદકોનો પ્રશ્ન વહેલી તકે સરકાર હલ નહીં કરે તો સપ્તાહ ઓછી મોટાભાગના કામો બંધ થઇ જશે. જેને લઈ હાલાકાી ઊભી થશે.
પાલનપુરમાં રોડના કામો શરૂ થતાં જ બંધ થઇ જતાં હાલાકી વધી
પાલનપુર શહેરના મુખ્ય બે માર્ગો ને દોઢ મહિના અગાઉ નવા બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં બ્રિજેશ્વર અને સુખ બાગ રોડ એક એક કરોડના ખર્ચે નવા બનાવવા માટે ખોદી દેવાયા છે.
અને ભારે ટ્રાફિકને સાંકડા રસ્તાઓ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના લીધે વાહનચાલકોની હાડમારી વધી ગઈ છે તેવામાં હવે હડતાળના પગલે 15 જૂન પહેલા રસ્તાના કામો પૂરા નહીં થાય તો રહીશોની ઊંઘ હરામ થઇ જશે.સુખબાગરોડના અરજદારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી રોડ ખોદીને મૂકી દીધો છે અવરજવર કરી શકાય તેવા પ્રકારની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી જો હડતાળ લાંબી ચાલવાની હોય તો આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રીપેર કરીને શરૂ કરી દેવા જોઈએ.
જિ.પં. ના 58 કરોડના કામો અસરગ્રસ્ત
બનાસકાંઠા જિલ્લા પંચાયતના 80 કિલોમીટરના જુદા જુદા 58 કરોડથી વધુના નાનામોટા રસ્તા, વાઇડનિંગ, પાળા, સહિતના 54 કામો હાલમાં બંધ થવાની કગાર પર છે. આ 500 કરોડથી વધુના સરકારી કામોને અસર
• ભારતમાલા પ્રોજેક્ટ (નેશનલ હાઈવે)
• પાલનપુર રાધનપુર ફોરલેન પેવર કામ (નેશનલ હાઇવે)
• માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના 100 કરોડથી વધુના રોડ,બિલ્ડિંગ સહિતના કામો,
• માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના 58 કરોડથી વધુના કામો,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.