આક્ષેપ:પાલનપુરના ગોઢમાં જંગલની જમીનમાં ગેરકાયદે વાવેતર

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાથિદ્રા રાઉન્ડમાં ગોઢના જંગલમાં તત્કાલીન ડીએફઓએ ખુલ્લું કરાવેલું દબાણ ફરી થઈ ગયું, હદબાણથી જંગલ તરફ અંદર વાડ બનાવી દીધી

પાલનપુર તાલુકાના ગોઢગામમાં જંગલની જમીનમાં ગેરકાયદે વાવેતર વધી ગયું હોવાની રજૂઆત વન અને પર્યાવરણ વિભાગને કરવામાં આવી છે. હાથિદ્રા જંગલ વિસ્તાર નજીકના ગોઢ ગામમાં બાવળના જંગલ નજીકના વિસ્તારમાં 3-4 વર્ષ પૂર્વે તત્કાલીન ડીએફઓએ ખુલ્લું કરાવેલું દબાણ ફરી થઈ ગયું હોવાની રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં હદબાણથી જંગલ તરફ અંદર વાડ બનાવીને દબાણદારોને ફાયદો કરાવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

પાલનપુર તાલુકાની નોર્મલ રેન્જમાં હથિદ્રા રાઉન્ડમાં 1 ફોરેસ્ટર અને 4 બીટગાર્ડ દ્વારા જંગલના રખરખાવની કરવામાં આવી રહી છે. જેમાં હાથીદરા ઉપરાંત ચૂલીપાણી, છાપરા, ગોઢ, મુમનવાસ, જલોત્રા, ધાણધા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

જ્યાં ગોઢ વિસ્તારમાં આવેલા ગીચ જંગલ નજીકના પહાડી વિસ્તાર પછી બાવળનું જંગલ આવે છે અને તે બાદ ગામ તળ શરૂ થાય છે પરંતુ ગામના સીમાડા અને બાવળના જંગલ વચ્ચેની જંગલની જગ્યા પર કેટલાક લોકો દ્વારા અન અધિકૃત દબાણ કરી વાવેતર કરવામાં આવતા સમગ્ર મામલે રજૂઆતો થઈ છે.

દબાણ કરનાર લોકો માથાભારે હોવાથી નામ ન આપવાની શરતે અરજદારે જણાવ્યું હતું કે "ત્રણ ચાર વર્ષ પૂર્વે બનાસકાંઠા નોર્મલ રેન્જના ડી.સી.એફ. ગંગાચરણ સિંગએ આ વિસ્તારમાં થયેલું દબાણ જેસીબી દ્વારા ખુલ્લું કરાવ્યું હતું અને હદબાણ લગાવાયા હતા. પરંતુ હાલમાં સ્થિતિ એ છે કે ગઈ વખત કરતાં પણ વધુ પડતું દબાણ થઈ ગયું છે અને ફરજ પરના સ્ટાફ દ્વારા દબાણ આચરનારાઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.'

વન વિભાગે જંગલમાં જ વાડ કરી
રજૂઆતમાં જણાવ્યું હતું કે "વન વિભાગના સ્ટાફે ગામથી જ્યાં જંગલ શરૂ થાય છે ત્યાં જંગલની અંદર વાડ કરી છે અને ગેરકાયદેસર વાવેતર બચાવવાંનો પ્રયાસ કર્યો છે."

બાવળના જંગલમાં જ વાવેતર કર્યું
વન વિભાગના સ્ટાફે હાલમાં ચોમાસામાં કેટલાક રોપા વાવ્યા છે પરંતુ તે તમામ રોપા ઝાડની નીચે જ વાવી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. યોગ્ય તડકો ન મળતા છોડનું બાળમરણ થશે અને જે છોડ વિકસિત થશે તેની ઉપર બાવળ હોવાથી તેનો વિકાસ પણ નહીં થઈ શકે. ખરેખર જે જંગલ વિસ્તારની હદ છે ત્યાં દબાણ ખુલ્લું કરાવીને વાવેતર કરાવવું જોઈએ. !

અન્ય સમાચારો પણ છે...