પતિએ મારી સાથે વિશ્વાસઘાત કરી હિંદુ યુવતી સાથે લગ્ન કરી લીધા, મને તલાક આપી દીકરી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. મારી ચિંતામાં મારા પિતાજી મૃત્યુ પામ્યા હતા. જે પછી ઓશિયાળુ જીવન જીવી રહી છુ. જોકે, મારા કાકાનો પરિવાર ખુદા બનીને મારી મદદ કરી રહ્યો છે. ત્રણ વર્ષ પછી મને ન્યાય મળ્યો છે. પતિને સજા પડી છે. જોકે, સસરા હવે કેસમાં સમાધાન કરવા માટે ધમકીઓ આપી રહ્યા હોઇ મારા અને મારી દીકરી ઉપર જાનનું જોખમ છે. જેમનાથી બચવા માટે ખરો સંઘર્ષ તો હવે શરૂ થશે.
ગુજરાતમાં પહેલીવાર ત્રણ તલાકના કેસમાં સજા
ખુદા મને તે માટે શક્તિ અર્પે અને તંત્ર મને રક્ષણ આપે તેમ કહેતી વખતે શહેનાજબાનુંની આંખોમાં પરિસ્થિતિ સામે લડી લેવાનો જૂસ્સો જણાઇ આવતો હતો.ત્રણ તલાકના કેસમાં ગુજરાતમાં પ્રથમ વખત પોતાના પતિને સજા અપાવનારી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જુનીનગરીના શહેનાજબાનું કોર્ટના ચૂકાદાથી ખુબ જ ખૂશ છે. તેમણે તલાક પછીના ત્રણ વર્ષ કેવી રીતે વિતાવ્યા એ અંગે જણાવ્યું હતુ કે, પતિ સરફરાજખાન અને સસરા મહંમદખાન સહિત સાસરીયાઓએ મારી ઉપર બેહદ ત્રાસ ગુજાર્યો હતો. મારી ઇજ્જત ઉપર પણ છાંટા ઉડાડ્યા હતા.
તલાાક આપી નાની દીકરી સાથે પતિએ ઘરમાંથી હાંકી કાઢતાં સૌથી વધારે આઘાત મારા પિતાજી પરબતખાન ઉસ્માનખાન બિહારીને લાગ્યો હતો. મારી ચિંતામાં તેમનું મૃત્યુ થઇ ગયું હતુ. હું ઓશિયાળી બની ગઇ હતી. મારો નાનો ભાઇ છે. પરંતુ તડકામાં નીકળવાથી આંખોની બિમારી હોવાથી બહાર નીકળી શકતા નથી. જોકે, કાકાના દિકરા શમશેરખાન મહંમદખાન બિહારી અને તેમનો પરિવાર ખુદા બની મારી વ્હારે આવ્યો છે. કોર્ટ- કચેરી થી લઇ તમામ પ્રકારની મદદ માટે મારી પડખે ઉભા રહ્યા છે.
બહેનો સંકોચ રાખ્યા વિના બહાર આવી નૃસંશોને સજા અપાવો
મારા પતિને કોર્ટે સજા આપી તેનાથી ત્રણ વર્ષમાં જે દુ:ખ વેઠ્યુ તે ભૂલી જવાયું છે. આનંદ થયો છે કે, મને ન્યાય મળ્યો છે. પતિના અત્યારનો ભોગ બનતી બહેનોને એક જ સલાહ આપું છુ કે, મુંગા મોઢે અન્યાય સહન કરવાને બદલે શરમ - સંકોચ રાખ્યા વિના બહાર આવો.મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઇટ ઓન મેરેજના કાયદાનો ઉપયોગ કરી ન્યાય મેળવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા જેવી પિડીતાઓ માટે કાયદો બનાવ્યો છે. જેમના અમે રૂણી રહીશું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.