ગ્રામલોકોનો અનોખો નિર્ણય:થરાદના પાવડાસણમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત કરાયો, નિયમનો ભંગ કરનારને રૂ.200નો દંડ ફટકારવામાં આવશે

પાલનપુરએક મહિનો પહેલા
  • ગામમાં યુવકનું અકસ્માતમાં મોત થતા ગ્રામજનોએ સ્વચ્છાએ હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય કર્યો
  • દંડની રકમ ગામની ગૌ શાળામાં જમા કરવામાં આવશે

બનાસકાંઠાના થરાદ તાલુકાના પાવડાસણ ગામમાં 20 દિવસ અગાઉ શંકર નામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જેથી ગામ લોકોએ ભેગા મળીને અનોખો નિર્ણય લીધો હતો. જે સમયે યુવકનું મોત નિપજ્યું હતું તે સમયે યુવકે હેલ્મેટ પહેર્યું ન હતું. આ બનાવ બાદ ગામના લોકોએ નિર્ણય કર્યો છે કે, ગામમાં બાઈક પર હેલ્મેટ વગર ફરવું નહીં અને ગામમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. દૂધ મંડળીએ દૂધ ભરાવવા આવતા પશુપાલકો પણ હેલ્મેટ લઈને મંડળી પર આવે છે તો બીજી તરફ ગામથી શહેર તરફ જતા તમામ યુવાઓ હવે હેલ્મેટ પહેરી બાઈક ઉપર સફર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હેલ્મેટ પહેરીને બાઈક સાથે રેલી યોજવામાં આવી
પાવડાસણ ગામની અંદર આજથી ફરજિયાત હેલ્મેટનો નિયમ બનાવવામાં આવ્યો છે. થરાદ પોલીસની હાજરીમાં ગામના યુવાનો દ્વારા ગામમાં હેલ્મેટ પહેરીને બાઈક સાથે રેલી યોજવામાં આવી હતી અને ગામની અંદર સંદેશ આપવામાં આવ્યો હતો કે, આજથી હેલ્મેટ ફરજીયાત કરાયું છે, જે લોકો ગામમાં હેલ્મેટ પહેર્યા વગર બાઈક પર નીકળશે તેમને ગામ લોકો દ્વારા 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ 200 રૂપિયાના દંડની રકમ ગૌશાળાની અંદર વાપરવામાં આવશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને ગ્રામજનોએ અને પોલીસ તંત્રએ પણ વધાવ્યો છે.

દરેક ગ્રામજનો આપી રહ્યા છે સાથ સહકાર
આ અંગે સ્થાનિક અગ્રણી વસંત દેસાઈએ જણાવ્યું હતું કે, અમારા ભાવડાસનના ગ્રામજનોએ હેલ્મેટ ફરજીયાત પહેરવાનો નિયમ લાગુ કર્યો છે. દરેજ ગ્રામજનોના સહમતીથી પોતે અને પોતાના સગા સબંધીઓ પણ ફરજીયાત હેલ્મેટ પહેરશે તેવો નિર્ણય લાગુ કર્યો છે. આજુબાજુ ગ્રામજનો ખુબ સારો સાથસહકાર આપી રહ્યા છે. આ હેલ્મેટ પહેરવાનો નિર્ણય એટલા માટે લાગુ કરવામાં આવ્યો છે કારણ કે, થોડા સમય પહેલા અમારા ગામની અંદર સાત બહેનોએ તેનો લાડકવાયો ભાઈ અકસ્માતમાં ગુમાવ્યો હતો. એકના એક પુત્રનું મોત થયું હતું. આ અકસ્માતમાં યુવકે હેલ્મેટ પહેર્યું ન હતું. જેથી તેનું મોત થયું હતું. ત્યારે બીજા કોઈ યુવકનું આ પ્રમાણે મોત ન થાય તે માટે ગામમાં હેલ્મેટ ફરજીયાત પહેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક લોકોને હું અપીલ કરું છું કે આ નિયમનું ફરજીયાત પાલન કરે. હેલ્મેટ પહેરીને મુસાફરી કરશુ તો આપણો બચાવ થઈ શકે છે.
દૂધ મંડળીમાં આવતા ગ્રાહકો પણ હેલ્મેટ પહેરીને આવે છે
આ અંગે દૂધમંડળીના ચેરમેન રૂડાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમારા દૂધ મંડળીમાં હેલ્મેટ વિશેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં અમારા ગ્રાહક સવારે સાંજે દૂધ ભરાવવા આવશે એટલે હેલ્મેટ પહેરીને આવશે. આજે પણ હેલ્મેટ પહેરીને આવ્યાં છે અને કાયમ માટે આ નિયમનું પાલન કરશે. તેમજ જે કોઈ નિયમનો પાલન નહી કરે તેની પાસેથી 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે જે રકમ ગામની ગૌ શાળામાં જમા કરવામાં આવશે. એમાં બાધા જ અમારા ગ્રાહક મિત્રો અને ગ્રામજનોનો સાથ સહકાર છે.

અન્ય સમાચારો પણ છે...