બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમ વહેલી સવારે બાતમીના આધારે ખાનગી વાહનમાં બેસી કૂંપટ ગામ પાસે પહોંચી હતી અને બનાસ નદીના પટમાં આકસ્મિક ડ્રોન સર્વેલન્સની મદદથી ચેકિંગ હાથ ધરતા નદીના પટમાં બિન અધિકૃત રીતે ચાલતા એક હિટાચી મશીન, બે સાદી રેતી ભરેલા ડમ્પર, બે ટ્રેક્ટર અને ચાર ખાલી ડમ્પર મળી કુલ નવ વાહનો કબ્જે કર્યા હતા. રૂ 1.60 કરોડનો મુદ્દામાલ કબ્જે લઈ રૂ.10 લાખનો દંડ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ભૂસ્તર વિભાગની ઓચિંતી રેડને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીએ જણાવ્યું હતું કે, ખનીજ ચોરી કરતા તત્વો સરકારી વાહનની રેકી રાખતા હોય છે. સાથે વાહન જ્યારે નદીમાં ઉતરે ત્યારે પણ વોચ રાખતા હોય છે. જેથી અમોએ હવે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરી ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મળી રહી છે. એકમાસ આગાઉ નાની આખોલ ગામે પણ ડ્રોનની મદદથી ખનીજ ચોરી ઝડપી હતી. ત્યારે બુધવારે વહેલી સવારે ખનીજ ચોરોને ઉંઘતા ઝડપી નવ વાહનો કબ્જે લઇ રૂ 10 લાખનો દંડ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.