આદિજાતિની દીકરીઓને શિક્ષણ:ડુંગરાળ વિસ્તારની ગઢ મહુડીની કન્યા શાળા રહેવા-જમવા અને શિક્ષણની આધુનિક સુવિધાથી સજ્જ

બનાસકાંઠા (પાલનપુર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક વનબધું પરિવાર સુખી, શિક્ષિત, સ્વસ્થ અને આર્થિક રીતે સદ્ધર બને એવું સ્વપ્ન સેવ્યું છે. જેના ભાગરૂપે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આદિવાસી બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ માટે રાજ્યમાં 50 આદર્શ નિવાસી શાળાઓ, 601 આશ્રમ શાળાઓ, 36 ઇ.એમ.આર.એસ., 55 મોડેલ સ્કૂલ અને 1143 છાત્રાલયો કાર્યરત છે. જેમાં 2 લાખથી વધુ આદિજાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસની સાથે ઉચ્ચ કારકિર્દી ઘડતરની કેડી કંડારી રહ્યા છે.

4000 જેટલાં આદિજાતિનાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.
રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી અને બનાસકાંઠા જિલ્લા ટ્રાયબલ એરિયા સબ પ્લાન કચેરી, પાલનપુર દ્વારા દાંતા અને અમીરગઢ આદિજાતિ વિસ્તારમાં વસતા આદિજાતિ બાળકોના સર્વાંગી વિકાસની સાથે પાયારૂપી શિક્ષણની જરૂરિયાત માટે બનાસકાંઠા જિલ્લામાં 2 મોડેલ સ્કૂલ, 5 કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ તથા 3 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એમ કુલ 10 શાળાઓ કાર્યરત છે. જેમાં 4000 જેટલાં આદિજાતિ વિદ્યાર્થી ભાઈ-બહેનો શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે.

કન્યા શિક્ષણને વેગ આપવા 5 શાળાઓ કાર્યરત
બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તેમજ આદિજાતિની કન્યાઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર સુધારો લાવવા અને ડ્રોપ આઉટ ઘટાડી કન્યા શિક્ષણને વેગ આપવા માટે 5 કન્યા સાક્ષરતા નિવાસી શાળા કાર્યરત છે. જેમાં 1840 જેટલી આદિજાતિ દીકરીઓ ધોરણ 6થી 12 સુધીનું વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ અને ભોજન વગેરેની સુવિધા મેળવી ભાવિ ઘડતરની દિશામાં આગળ વધી રહી છે.

આદિજાતિ દીકરીઓને શૈક્ષણિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ
દાંતા તાલુકાના ગઢ મહુડી ગામમાં આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા આ વિસ્તારમાં વસતા આદિજાતિ પરિવારોની દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે. ડુંગરાળ પહાડો, વહેતાં ઝરણાં અને નર્યા નૈસર્ગિક સૌદર્ય વચ્ચે આવેલી શાળા કોઈ હિલસ્ટેશન પરના પર્યટન સ્થળ જેવી લાગે છે. શાળાનું આધુનિક મકાન, છાત્રાલય અને વનરાજી ખરેખર મનમોહી લે એવી તો છે જ પરંતુ શાળામાં અપાતું શિક્ષણ પણ ઉત્તમ કક્ષાનું છે. આધુનિક યુગની જરૂરિયાત એવા કમ્પ્યુટર શિક્ષણ સાથે ટી.વી પર શૈક્ષણિક વીડિયો દ્વારા શિક્ષણ આપી આદિજાતિ દીકરીઓને શૈક્ષણિક રીતે સક્ષમ બનાવવાનો સરકારનો આ પ્રયાસ ખરેખર પ્રસંશનીય છે.

કન્યાઓનાં શિક્ષણ સહિત પ્રાથમિક જરુરિયાતો તદ્દન મફત
ગઢ મહુડીમાં વર્ષ 2009 થી કાર્યરત કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું આધુનિક મકાન 2019માં નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 6થી 12માં વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં 399 કન્યાઓ આ નિવાસી શાળામાં અભ્યાસ કરી રહી છે. ગૃહમાતા સહિત 17 જણનો શૈક્ષણિક સ્ટાફ આદિજાતિ દીકરીઓના ઘડતર માટે શિક્ષણની જવાબદારી નિભાવી રહ્યો છે. એક બાળક પાછળ સરેરાશ 5300 જેટલો ખર્ચ કરવામાં આવે છે અને દર મહિને દિકરીને 100 રૂપિયા પોકેટ મની તરીકે આપવામાં આવે છે. અહીં બાળકોએ ઘરેથી કશું જ લાવવાનું રહેતું નથી. માત્ર પહેરેલા કપડે શાળામાં આવવાનું હોય છે. શાળામાં પ્રવેશ બાદ તેમની રહેવા, જમવા, પુસ્તકો, યુનિફોર્મ, શૂઝ સહિતની તમામ જરૂરિયાત શાળા દ્વારા પુરી પાડવામાં આવે છે.

એક રૂમમાં 6 દિકરીઓ રહી શકે તેવી સુંદર વ્યવસ્થા
કન્યાઓના અભ્યાસની વિશેષ કાળજી રૂપે ધોરણ 8થી 11 અને ધોરણ 10 તથા 12ની વિદ્યાર્થિનીઓને શિક્ષકો દ્વારા રાત્રિ રીડીંગ અને કોચિંગની વિશેષ સવલત આપવામાં આવે છે. આ સમગ્ર કેમ્પસ સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ છે. અને પ્રિન્સિપાલની ઓફિસમાંથી શાળામાં ચાલતી તમામ પ્રવૃત્તિઓનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે. છાત્રાલયની વાત કરીએ તો તમામ રૂમોમાં સ્વચ્છતા સાથે પૂરતા પ્રકાશની વ્યવસ્થા કરેલી છે. એક રૂમમાં 6 દિકરીઓ રહી શકે તેવી સુંદર વ્યવસ્થા છે અને તમામ દિકરીઓ માટે અલાયદા લોખંડના મજબૂત પલંગ, ડનલોપના ગાદલાં, ઓશિકાં અને બેડશીટની પણ સુંદર સગવડ આપવામાં આવે છે. આવા આધુનિક સુવિધાયુક્ત રૂમમાં દિકરીઓ નિરાંતે અભ્યાસ અને આરામ કરી શકે છે. તેમજ તેમના કપડાં અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓની સાચવણી માટે દરેક રૂમમાં તિજોરી કબાટની પણ સગવડ છે. પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે 7 આર.ઓ. પ્લાન્ટ અને ન્હાવા માટે બાથરૂમમાં ગીઝર દ્વારા ગરમ પાણીની સુવિધા ઉપલબ્ધ છે.

399 બાળાઓ અભ્યાસ સાથે નિવાસ કરે છે
આ શાળાના ઇન્ચાર્જ આચાર્ય સુનિતા પરમારે શાળાની સુવિધાઓ, સવલતો અને શૈક્ષણિક કાર્યની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ શાળામાં 399 બાળકીઓ અભ્યાસ સાથે નિવાસ કરે છે. તેમની શૈક્ષણિક અને અન્ય તમામ પ્રકારની જરૂરિયાતો શાળા દ્વારા પુરી પડાય છે. વર્ષ 2021-22નું શાળાનું ધોરણ-12 આર્ટસનું પરિણામ 100 ટકા અને ધોરણ 10 નું પરિણામ 94 ટકા આવ્યું છે. અહીં કન્યાઓના અભ્યાસ માટે તમામ સ્ટાફ ખૂબ મહેનત કરે છે અને સંપૂર્ણ શાળા પરિસર 92 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...