કાર્યવાહી:ગઢની ઝવેરી હાઈસ્કૂલના પ્રમુખે બે અગ્રણીઓને બદનામ કરવા શિક્ષક પાસે અભદ્ર પત્રો લખાવ્યા

ગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકે 25 પત્રો પાલનપુર રેલવે પોસ્ટ ઓફિસથી પોસ્ટ કર્યા, સીસીટીવી કેમેરામાં કેદ

પાલનપુર તાલુકાના ગઢમાં દોઢ માસ અગાઉ બે અગ્રણીઓને બદનામ કરતાં પત્રો મળ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ અને સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસમાં ગામની ઝવેરી હાઈસ્કૂલના પ્રમુખે જ હાઇસ્કૂલના શિક્ષક પાસે આ પત્રો લખાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે ગામના અગ્રણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાઈસ્કૂલના પ્રમુખ અને શિક્ષક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર તાલુકાના ગઢમાં તારીખ 25 એપ્રિલના દિવસે ભરતભાઈ માધાભાઈ ગામી ઉપર એક ટપાલ આવી હતી. જેમાં ગામના અગ્રણી અને કેબલ ચલાવતા રણજીતસિંહ રામજીભાઈ પરમાર (ઠાકોર)ના નામથી વિમળા કોલેજમાં ફરજ બજાવતા હરિભાઈ અંદરાભાઈ ભૂટકા વિશે અભદ્ર ટિપ્પણીઓ લખેલા કાગળની ત્રણ ઝેરોક્ષ મળી હતી. આથી ભરતભાઈએ રણજીતસિંહને આ ટપાલ આપી હતી. જેમણે પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ટપાલ ઉપર ના સિક્કામાં પાલનપુર રેલવે પોસ્ટ ઓફિસનું નામ હોઈ તે તારીખના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.

જેમાં આ પત્રો ગઢ ગામે આવેલી ઝવેરી હાઈસ્કૂલના શિક્ષક વેડંચા ગામના રમેશજી વશરામજી દૈદરા (ઠાકોર) અને સાથી શિક્ષક મનોજભાઇએ તારીખ 23/4/ 2022ના રોજ પોસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તપાસ કરતા રમેશજીએ જણાવ્યું હતું કે, આ ટપાલ ઝવેરી હાઈસ્કૂલના પ્રમુખ ખોડીદાસ અમુભાઈ સાળવી (પટેલ)એ ગામના રણજીતસિંહ રામજીજી ઠાકોર અને વિમળા કોલેજમાં ફરજ બજાવતા હરિભાઈ અંદરાભાઈ ભૂટકાને બદનામ કરવા ટપાલ લખાવી હતી.

અને ગામના 25 પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સરનામે પોસ્ટ કરવાનું કહ્યું હતું. આ અંગે રણજીતસિંહે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ખોડીદાસ અમુભાઈ સાળવી અને શિક્ષક રમેશજી વશરામજી દૈદરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...