ઓનલાઇન નોંધણી:1 એપ્રિલથી ઘઉંની 425 ના ટેકાના ભાવથી અને બાજરી 470ના ભાવથી ખરીદી થશે

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 લી માર્ચથી ઓનલાઇન નોંધણી શરૂ, ખેડૂત ખાતેદારના આધાર કાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જથ્થો ખરીદ કરાશે

ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સિઝન માં લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સહિત સમગ્ર વિશ્વ વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ’ તરીકે ઉજવી રહ્યું ત્યારે ગુજરાતમાં ઘઉંની સાથે સાથે ઉનાળુ બાજરી, જુવારની ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યમાં 1લી એપ્રિલથી 15મી જૂન સુધી કુલ જિલ્લાના જુદા જુદા ખરીદ કેન્દ્રો- અને ગોડાઉન ઉપરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

પુરવઠા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના ‘બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન’ દ્વારા જ જથ્થો ખરીદ કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની રાજ્ય સરકારના FPP પોર્ટલ (Farmers Procurement Portal) ઉપર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહશે. ખેડૂતોએ આ માટે 1લી માર્ચથી 31મી માર્ચ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.

ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ, ગામ નમૂના 7/12 તથા 8-અની તાજેતરની નકલ, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો, બેંક પાસબુક રજૂ કરવાની રહેશે. ચાલુ વર્ષે ગુજરાતમાં ઘઉંની પ્રતિ મણ રૂ.425ના ટેકાના ભાવે ખરીદી થશે. બાજરીની પ્રતિ મણ રૂ. 470ના ટેકાના ભાવે ખરીદી કરાશે.

અન્ય સમાચારો પણ છે...