પછાત વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકોના જીવનમાં ભણતરનો પાયો નાખવા માટે બીઇંગ ટુગેધર સંસ્થા દ્વારા ડીસામાં પ્રોજેક્ટ નિર્માણ નામથી નવી પહેલ શરૂ કરાઈ છે. જેમાં સંસ્થાના કાર્યકરો દ્વારા વિનામૂલ્યે બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ડીસા શહેરમાં સતત કાર્યરત એવી સંસ્થા બીઇંગ ટુગેધર દ્વારા સ્લમ વિસ્તારનાં બાળકોનો માનસિક વિકાસ થાય અને એમના જીવનમાં ભણતરનો પાયો નંખાય એ હેતુથી પ્રોજેક્ટ નિર્માણ નામથી એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંગે સંસ્થાના સૂત્રોએ જણાવ્યું કે, વર્તમાન સમયે શિક્ષણમાં ખર્ચા વધી રહ્યા છે. જેના કારણે ગરીબ પરિવારો પોતાના બાળકોને સોપાન, બાળ મંદિરમાં મૂકી શકતા નથી.
આવા પછાત વિસ્તારના ગરીબ પરિવારોના બાળકો પાયાનું શિક્ષણ મેળવી શકે તે માટે અમારી સંસ્થા દ્વારા વિનામૂલ્યે તેમના વિસ્તારમાં જઈ બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને પાયાનું અક્ષરજ્ઞાન શિખવાડવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ નિર્માણ થકી હાલમાં આ ડીસા શહેરના પાલનપુર હાઈવે નજીક સરોવર કાઠિયાવાડી હોટલની પાછળ આવેલ સ્લમ વિસ્તારના 20 જેટલા બાળકોને એમના જીવનમાં પ્રથમ વખત ભણતરનો પાયો નાખવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.