લોખંડની પાઇપથી હુમલો:પાલનપુર તાલુકાના મોરીયા નજીક ભૂતેડીના પૂર્વ સરપંચ ઉપર હુમલો કરી રૂ.10 હજારની લૂંટ

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમાં આવેલા ભૂતેડી ગામના જ ત્રણ શખ્સોએ બાઇક આંતરી લોખંડની પાઇપ- ધોકાથી હુમલો કરતાં ચકચાર

પાલનપુર તાલુકાના ભૂતેડી ગામના પૂર્વ સરપંચ ગુરૂવારે મોડી સાંજે પાલનપુરથી ગામે જઇ રહ્યા હતા. ત્યારે મોરીયા નજીક કારમાં આવેલા ત્રણ શખ્સોએ તેમનું બાઇક આંતરી લોખંડની પાઇપ- ધોકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. આ અંગે તેમણે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર તાલુકાના ભૂતેડીના પૂર્વ સરપંચ મહેશભાઇ કાનજીભાઇ પ્રજાપતી ગુરૂવારે સાડા નવ વાગ્યે પોતાનું બાઇક નં જીજે. 08. એબી. 7235 લઇ પાલનપુરથી ભૂતેડી જઇ રહ્યા હતા. ત્યારે એક કાર ચાલકે મોરીયા નવોદય સ્કુલથી દેલવાડા પાટીયા તરફ જવા રોડ ઉપર બાઇકની ઓવર ટેઇક કરી દેલવાડા પાટીયા પહેલાં ઉભી રાખી હતી.

જેમાંથી ઉતરેલા ભૂતેડીના રોહિતભાઇ ડાહ્યાભાઇ ચૌહાણ તેમજ બીજા બે શખ્સોએ કંઇપણ કહ્યા વગર લોખંડની પાઇપ અને ધોકા વડે હૂમલો કરતાં મહેશભાઇને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. તેમજ બાઇકની પણ ધોકાથી તોડફોડ કરી હતી. હુમલા વખતે તેમના હાથમાંનો મોબાઇલ તથા રૂ.10,000 ( દસ હજાર ) ઝપાઝપીમાં કાઢી લીધા હતા.

જાનથી મારી નાંખવાની ધમકી આપી હુમલાખોરો ચાલ્યા ગયા હતા. ઇજાગ્રસ્ત મહેશભાઇ એક બાઇક ચાલકની મદદ લઇ પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. આ અંગે તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...