ઢીમાથી નવઘણજી ઠાકોરનો હુંકાર:'2022માં ઠાકોર મુંખ્યમંત્રી બને એ માટે ગુજરાતની ભૂમિ ઉપર ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે'

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • રાજ્યમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનશે અને ગુજરાતમાં સોનાનો સૂરજ ઊગશે: નવઘણજી ઠાકોર
  • અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરની વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ
  • નવઘણજી ઠાકોરની વિજય સંકલ્પ યાત્રામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જોડાયા

'2022માં મુખ્યમંત્રીની ઠાકોરની માંગણી માટે આ ગુજરાતની ભૂમિ ઉપર ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને અમારો મુખ્યમંત્રી જોઇશે. બાકી અમે ગામડાઓમાં એમને પગ મુકવા દેવાના નથી'. આ હુંકાર કર્યો છે અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે. આજે બનાસકાંઠાના ઢીમાથી ધરણીધર ભગવાનના દર્શન કરીને નવઘણજી ઠાકોરે વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે.

યાત્રામાં ગેનીબેન ઠાકોર જોડાયાં
2022માં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને એ માટે અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આજે વાવના ઢીમાં ખાતેથી ક્ષત્રિય વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. જે ફાગવેલ મુકામે પૂર્ણ થશે. આ યાત્રામાં વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ જોડાયાં છે.

ગુજરાતમાં સોનાનો સૂરજ ઊગશે: નવઘણજી ઠાકોર
નવઘણજી ઠાકોરે ઢીમાં મંદિરમાં ભગવાન ધરણીધરના દર્શન કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનશે અને ગુજરાતમાં સોનાનો સુરજ ઉગશે. ગેનીબેન સાથે હેલિકોપ્ટરમાં બેસીને ઢીમાં ભગવાનના દર્શન કરવા આવીશ.

હાથમાં તલવાર લઈને વિજયની વરમાળા પહેરીશું: નવઘણજી ઠાકોર
નવઘણ ઠાકોરે સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ અને 2022માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વરમાળા પહેરવાના છીએ. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી આ યાત્રા ફાગવેલ સુધી જશે. આ યાત્રા 6 જિલ્લાઓ અને 33 વિધાનસભામાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસ કરશે.

સંપૂર્ણ સરકાર ઓ.બી.સી અને એસ.સી એસ.ટી સમાજની: નવઘણજી ઠાકોર
નવઘણજી ઠાકોરે વધુમાં કહ્યું કે, આ યાત્રા ઢીમાથી અંબાજી અને અંબાજીથી ફાગવેલ સુધી જશે. આ યાત્રામાં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક કરવો, ઓબીસી, એસટી એસસી સમાજનો સાથ લઈ આગામી 2022માં ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગાડવો છે. સોનાનો સુરજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર અને સંપૂર્ણ ઓ.બી.સી અને એસ.સી એસ.ટી સમાજની સરકાર. આ મારું સપનું છે.

હું ઘરે ઘરે ફરીશ: નવઘણજી ઠાકોર
કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીને સમસ્ત સમાજ એક કરી અલ્ટીમેટમ આપવાનું છે કે, આગામી 2022ની અંદર ગુજરાતમાં જો તમારે રાજ કરવું હોય, અમારા મત જોતા હોય તો મુખ્યમંત્રી અમારા ક્ષત્રિય ઠાકોર સમાજનો જાહેર કરવો પડશે અને સંપૂર્ણ સરકાર અમારી ઓબીસી એસસી-એસટી સમાજની હોવી જોઈએ. સમગ્ર ગુજરાતની અંદર આ સંદેશો લઇ હું ઘર-ઘર સુધી ફરવાનો છું. મારી યાત્રા 1200 કિલોમીટરની રહેશે, 33 વિધાનસભા પાંચ જિલ્લા સમગ્ર વિસ્તાર કોર્ડન કરવાનો છે. અમારા વડવાઓએ જ્યારે જ્યારે ધર્મનું રક્ષણ હોય, ત્યારે હથિયાર ઉપાડ્યું છે. એજ રીતે 2022મા મુખ્યમંત્રીની ઠાકોરની માંગણી માટે આ ગુજરાતની ભૂમિ ઉપર ખુલ્લી તલવારે પટ્ટા ખેલવા ખેલવાના છે છે ને છે. એટલે કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓને અમારો મુખ્યમંત્રી જોઈશે, નહીંતર અમે ગામડામાં એમને પગ મુકવા દેવાના નથી.

અન્ય સમાચારો પણ છે...