બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આ ઘટનામાં ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને પહેલા સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જો કે ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હતા અને ત્યાં લોકો સાથે તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. સરકારી ડોક્ટરની મનમાનીના વિરોધમાં લોકરોષ ભભૂકી ઊઠ્યો છે અને સરકારી હોસ્પિટલ પાસે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ દરમિયાન બાળકોને વધુ સારવાર માટે હાલ ડીસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
હોસ્પિટલના ડોક્ટરે મનમાની કરી હોવાના આક્ષેપ
શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. બાળકોની હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, રેફરલ હોસ્પિટલના ડોક્ટરે મનમાની કરી હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે.
ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા ભાગદોડ મચી હતી. જેને પગલે આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ICUમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ડોક્ટરને બદલવાની માંગ સાથે લોકોનો વિરોધ
શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં ત્યારે પહેલા તો ડૉક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી હતી અને મનમાની કરી હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે. જેને લઈ ડોક્ટર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ગંભીર હાલતમાં બાળકોને સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક એડમિટ ન કરતાં અને ડોક્ટર દ્વારા મનમાની કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિહોરીની રેફરલ હોસ્પિટલના ડોક્ટરને બદલવાની માંગ સાથે શિહોરીના સ્થાનિક લોકો એકઠા થયા હતા. શિહોરી શહેરની તમામ દુકાનો બંધ કરીને લોકોએ ડોક્ટરની બદલી કરવાની માંગ કરી હતી.
પોલીસે અને આગેવાનોએ લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ બાળકોને વધુ સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ કરુણ ઘટનામાં કાંકરેજના ઉંબરી ગામના 4 દિવસના બાળકનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. રેફરલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ડોક્ટર સામે રોષ ઠાલવી સુત્રોચ્ચાર કર્યો હતો. ડોક્ટરની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી હતી. જોકે, પોલીસે અને સ્થાનિક આગેવાનોએ લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર મામલે શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.