ભેળસેળ:દાંતીવાડાની અનંત કરિયાણામાંથી લેવાયેલા ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળ જણાઈ

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર ફૂડ વિભાગની ટીમે શ્રાવણ મહિનામાં રેડ કરી હતી
  • જાણીતી બ્રાન્ડના નામથી મિનરલ વોટરની સીલ બંધ બોટલમાં ફૂગ અને સૂક્ષ્મ જીવો મળ્યા,ફૂડ સેફ્ટી વિભાગમાં મોકલાયેલા સેમ્પલ ફેલ આવતા દંડાત્મક કાર્યવાહી કરાશે

પાલનપુર ફૂડ વિભાગની ટીમે શ્રાવણ મહિનામાં દાંતીવાડાની હેમ્પાભાઇ ભલાભાઇ ચૌધરીની અનંત કરિયાણામાંથી સ્વામિનારાયણ ફરાળી લોટનું સેમ્પલ લેવાયું હતું જે પરીક્ષણમાં મોકલતા તેમા ઘઉંના લોટની ભેળસેળ મળી છે. ઉપરાંત ડીસાના બજારમાંથી દશરથલાલ મોદીની દુકાનમાંથી કોકોનટ નારીયલ તેલનું સેમ્પલ લેવાયું હતું જે મિસ બ્રાન્ડેડ આવ્યું છે. શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખી ભોળાનાથને રિઝવવા જેમણે તપસ્યા કરી હતી તેમના ઉપવાસ સાથે મિલાવટખોરોએ ચેડા કર્યા હોવાનું ખુલ્યું છે.તંત્ર હવે કાર્યવાહી કરશે.

ઉપરાંત વાવમાં જેઠાભાઈ ગણેશભાઈ પ્રજાપતિની ક્રિષ્ના સ્વીટ એન્ડ નાસ્તા હાઉસમાં રાજ પામોલીન તેલનું સેમ્પલ લેવાયું હતું જે સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે. જ્યારે ધાનેરામાં બાબુભાઈ ત્રિકમભાઈ પટેલના મારવાડી ડેરી ફાર્મ માંથી કેસર પિસ્તા શિખંડ લુઝ સેમ્પલ લેવાયું હતું જે સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે.

દિયોદરની જીઆઇડીસીમાં રાજેશકુમાર કુંવરજીભાઈ પટેલની મિનરલ વોટરના પ્લાન્ટમાંથી જાણીતી બ્રાન્ડના ભળતા નામથી મિનરલ વોટરની બ્લીટેરી સીલ બંધ બોટલનું 500 એમએલ અને એક લીટરના સેમ્પલ પરીક્ષણ અર્થે લેબમાં મોકલાયા હતા. જેમાં ફૂગ અને સૂક્ષ્મ જીવો મળ્યા છે. ફૂડ સેફટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે જે જે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ આવ્યા છે તેમની સામે હવે ફૂડ સેફ્ટી અંગેના કેસો ચલાવવામાં આવશે જેમાં દંડાત્મક કાર્યવાહી કરાશે.નોંધનીય છે કે શ્રાવણ મહિનામાં તંત્ર દ્વારા લીધેલા નમૂનાનો રીપોર્ટ દિવાળી પછી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...