આબુ રોડ પર અકસ્માત:અજાણ્યા વાહને ટક્કર મારતાં પરિવાર જીવ બચાવવા કાર બહાર નીકળ્યો, કન્ટેનરે કચડતાં ત્રણનાં મોત

પાલનપુર6 દિવસ પહેલા
  • અકસ્માતગ્રસ્ત કારમાંથી બહાર નીકળ્યા બાદ કન્ટેનરે ટક્કર મારી
  • એક જ પરિવારના બે લોકોનાં ઘટનાસ્થળે મોત, એકનું સારવાર દરમિયાન મોત

કહેવાય છે કે, 'લખ્યું લલાટે જ થાય' જ્યાં મોત લખ્યું હોય ત્યાં ઇશ્વર યેનકેન રીતે પહોંચાડી દે છે. આવું જ કંઇક એક રાજસ્થાનના પરિવાર સાથે થયું છે. પરિવાર કાર લઇને સામાજિક પ્રસંગે જઇ રહ્યો હતો ત્યારે રાજસ્થાનના આબુરોડ રેલવે પાસે એક અજાણ્યા વાહને પરિવારની કારને ટક્કર મારી હતી. જેમાં પરિવાર બચી ગયો હતો. જોકે, અકસ્માત ગ્રસ્ત કારમાંથી બહાર નીકળીને પરિવાર હાઇવેની સાઇડમાં ઉભો હતો, ત્યારે જ એક કાળરૂપી કન્ટેનરે ટક્કર મારતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા.

ત્રણનાં મોત, બે ઇજાગ્રસ્ત
રાજસ્થાનના આબુરોડ હાઇવે પર સર્જાયેલી આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આબુરોડ રેલવે પાસે એક પરિવારની કારને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માત ગ્રસ્ત કારમાંથી તમામ સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી પરિવારના સભ્યો બહાર આવી ઊભા રહ્યા હતા, તે સમયે એક અનિયંત્રિત કન્ટેનરના ચાલકે ડિવાઈડર પાસે ઉભેલા લોકોને ટક્કર મારતા 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

સિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી
આ દુર્ઘટનાની જાણ સિરોહી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોને પી.એમ. અર્થે તથા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના સર્જાતા પોલીસે ટ્રાફિક હળવો કરી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનામાં પરિવાર ક્યાંનો છે અને કયા કામ અર્થે જઇ રહ્યો હતો, તે જાણી શકાયું નથી.

મૃતક
બાબુલાલ સુથાર (74),
મંછીદેવી (70),
ગોવિંદરામ
દુર્ગાબેન જગદીશભાઈ સુથાર

ઘાયલ:
પુષ્પા સુથાર (45)
તનીશ સુથાર (10)

અન્ય સમાચારો પણ છે...