આત્મહત્યા કે હત્યા?:બાલુન્દ્રામાં યુવકની લટકતી લાશ મળી આવતાં પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડતાં ત્રણ દિવસથી લાશ ઝાડ પર

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાલુન્દ્રામાં સાસરે આવેલા જમાઈની લાશ ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી
  • ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો
  • પરિવારે મોતનું કારણ ન મળે અને તેનાં સાસરીયાં જવાબ ન આપે ત્યાં સુધી લાશને સ્વીકારવાની ના પાડી

અમીરગઢના બાલુન્દ્રામાં સાસરે આવેલા જમાઈની લાશ ઝાડ પર ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવતાં મૃતક યુવકના પરિવારજનોએ તેને મારીને લટકાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જેના પગલે લાશને હજુ સુધી ઝાડ પરથી ઉતારવામાં ન આવતાં ગામમાં ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જેના પગલે ગામમાં મોટો પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.

રબારિયામાં યુવતીની લાશ મળી આવી હતી

રબારિયા ગામની યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં તેના પરિવારજનોએ તેની હત્યા કરી લાશને લટકાવી દેવાનો વહેમ રાખી શંકાસ્પદ યુવકના ઘર પર હુમલો કરી તોડફોડ કરી છે. તેમજ યુવતીની લાશના શંકાસ્પદ યુવકના ઘરે જઈ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઘટના હજુ રૂજાઇ નહોતી ત્યાં તાલુકાના બાલુન્દ્રામાં એક લાશ મળી આવતાં સ્થિતિ વણસી છે.

પરિવારે લાશ સ્વીકારવાની ના પાડી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગાંજી પાદની ગામનો યુવક ચાર પાંચ દિવસ પહેલા તેના સાસરે બાલુન્દ્રા ગયો હતો. ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેની લાશ ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આથી મૃતક યુવકના પરિવારજનોએ યુવકની હત્યા કરી હોવાના આક્ષેપો કરતાં ત્રણ દિવસથી ઝાડ પર લાશ લટકી રહી છે. પરંતુ તેનો પરિવાર મોતનું કારણ ન મળે અને તેનાં સાસરીયાં જવાબ ન આપે ત્યાં સુધી લાશને સ્વીકારવાની ના પાડી રહ્યા છે.

બાલુન્દ્રામાં પોલીસ કાફલો ખડકી દેવાયો

બાલુન્દ્રામાં પણ ગઢડા ગામ જેવી પરિસ્થિતી થવાની દહેશત ફેલાઈ રહી છે. માટે બાલુન્દ્રામાં પણ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્રણ દિવસથી લાશ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હોવાથી અહીંયા પણ ચડોતરાં જેવી સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ મથામણ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...