કાંકરેજના થરામાં બંસી હોટલમાં ચેકીંગ માટે ગાંધીનગરની મહિલા પોલીસ આવતાં હોટલ માલિકે દરવાજો ન ખોલતાં નકલી પોલીસે કન્ટ્રોલ રૂમમાં મેસેજ કરતા થરા પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મહિલા પોલીસ નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ક્રાઇમ સેલના પીએસઆઈની ખોટી ઓળખ આપનાર નકલી મહિલા પોલીસ સહિત ઇકો ચાલકને પકડી પાડી થરા પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.એન.જાડેજાને પોલીસ કંટ્રોલરૂમ પાલનપુર તરફથી મળેલ સૂચના આધારે શુક્રવારે થરામાં આવેલ બંસી હોટલમાં ચેકીંગ કરવા માટે ગાંધીનગર સેલના પી.એસ.આઇ. અનિતા ચૌધરી આવેલ છે. અને હોટલનો દરવાજો કોઇ ખોલતું નથી તો તેમને સ્થાનિક પોલીસની મદદની જરૂર છે તેવી ટેલીફોનીક વર્ધી આધારે પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ સાથે બંસી ગેસ્ટ હાઉસ પર તપાસ કરી હતી. ઇકો કારમાં પોલીસ કલરનું CRIME લખેલ બોર્ડ જોવા મળ્યું હતું.
કારમાં સવાર મહિલા અને પુરુષ પૈકી મહિલાને પૂછતાં મહિલાએ તેની ઓળખાણ અનિતા ચૌધરી પી.એસ.આઇ.ગાંધીનગર સેલ તરીકેની આપી હતી. અને ગેસ્ટ હાઉસ ચેક કરવાનું કહેતાં પોલીસે મહિલા સાથે ગેસ્ટ હાઉસ ચેકીંગ કરી ગેસ્ટ હાઉસ સંચાલક તથા રોકાયેલ મહીલા મુસાફરને પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરી હતી. અને તે વખતે આ અનિતા ચૌધરીને તેમની બેન્ચ કંઇ છે અને તેમની ઇનીસીયલ શું છે. તેમજ હાલમાં કંઇ જગ્યાએ ફરજ બજાવો છો તેવું પોલીસે પુછતાં મહિલા કોઇ જવાબ આપી શકી નહીં અને ગભરાઇ ગઇ હતી.
જેથી પોલીસને વધારે શક-વહેમ જતાં મહિલા પોલીસ કર્મચારીની હાજરીમાં વધુ પુછપરછ કરી સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ માંગતા મહિલા પાસે પોલીસનું કોઇ કાર્ડ આવું ના હોવાનું જણાઈ આવ્યું હતું. મહિલાએ પી.એસ.આઇ.ના હોદ્દાનું ખોટું નામ ધારણ કરી લોકોમાં રોફ જમાવતાં હોય તેવું ધ્યાને આવ્યું હતું.
જેથી તેનું નામ પુછતાં પોતે પોતાનું નામ સાચું નામ અનીતાબેન રમેશભાઇ મેધાભાઇ ચૌધરી (રહે.સરીયદ,તા.સરસ્વતી,જી.પાટણ) હોવાનું જણાવ્યું હતું. અને તેની પાસેથી એક મોબાઇલ તેમજ તેની સાથે ઇકો ગાડી ચાલક મોહનજી સોમાજી ઠાકોર (સોલંકી) (રહે.લક્ષ્મીપુરા, તા.કાંકરેજ) ને ઇકો ગાડી તથા મોબાઇલ સાથે કુલ રૂ.2,04,000 ના મુદામાલ સાથે પકડી પાડી થરા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.