એશિયાની નંબર વન બનાસ ડેરીએ અપનાવેલી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET) થી ભવિષ્યમાં એક ગાય દૈનિક 20 થી 25 લિટર દૂધ આપશે. જે પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ સમાન રહેશે.બનાસકાંઠા જિલ્લાની રણમાં મીઠી વિરડી સમાન બનાસ ડેરી સતત નવી નવી ટેકનોલોજી અપનાવી રહી છે. જેમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET)નું ઉચ્ચતમ પરિણામ મળી રહ્યું છે.
ભવિષ્યમાં વાછરડી દૈનિક 20 થી 25 લિટર દૂધ આપશે
ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પશુધનની ઉચ્ચ ઓલાદોનું સંવર્ધન કરવા NDDBના સહયોગથી બનાસ ડેરીએ દેશમાં સૌ પ્રથમ અપનાવેલી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી થકી જિલ્લાના અલગ અલગ ગામોમાં 10 વાછરડા-વાછરડીનો જન્મ થયો છે, જે પશુપાલન ક્ષેત્રે મોટી સિદ્ધિ છે. આ સફળતા થકી ભવિષ્યમાં વાછરડી દૈનિક 20 થી 25 લિટર દૂધ આપશે. ધાનેરા તાલુકાના જોરાપુરા ધાખામાં તાજેતરમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી એચ.એફ. ગાયમાંથી કાંકરેજી વાછરડાનો જન્મ થયો છે.
જેનો ફાયદો પશુપાલકો, ખેડૂતો અને જિલ્લાને
પશુપાલન વ્યવસાયમાં ઝડપી પ્રગતિ અને પશુદીઠ દૂધ ઉત્પાદનમાં વધારો કરવાના ઉમદા હેતુ બનાસડેરીએ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો અમલ શરુ કર્યો છે. બનાસડેરીએ પોતાના નવા નવા સહકારી વ્યવસાયોમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આગળ વધી રહી છે, જેનો ફાયદો પશુપાલકો, ખેડૂતો અને જિલ્લાને મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.