સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ વિભાગ અને કોલેજ ઓફ બેઝિક સાયન્સ ઍન્ડ હ્યુમાનીટીઝના રાષ્ટ્રીય યોજનાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'ફીટ ઇન્ડિયા' ચળવળનો યુવાન વિદ્યાર્થીઓમાં વ્યાપ વધારવાના હેતુથી એક દિવસીય "કોમન યોગા પ્રોટોકોલ" પર યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સરદારકૃષિનગર ખાતેની વિવિધ વિદ્યાલયના કુલ 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓને યોગ અને તેના ફાયદા વિશે સમજણ અપાઇ
કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના કુલસચિવ પ્રો. જે.આર.વડોદરીયાએ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી શુભેચ્છા પાઠવી હતી. વર્કશોપમાં મહેશભાઈ ચારણ તેમજ શુલભભાઈ સ્વામીએ વિદ્યાર્થીઓને "3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ"ની સમજણ આપી આ પદ્ધતિથી લયબદ્ધ શ્વાસોશ્વાસ શિખવાડી તેનાથી થતાં ફાયદાઓ વિશે ઝીંણવટભરી સમજણ આપી હતી. કુ. નિયંતા જોશીએ આધુનિક સમયમાં આપણે કેવી રીતે યૌગિક જીવન જીવી શકીએ તેનાં પર એક રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતુ. શરૂઆતમાં તેમને વિવિધ યોગાસનનું નિર્દેશન કર્યું હતું. તેમના યોગકૌશલે વિદ્યાર્થીઓને યોગાભ્યાસ શરૂ કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. તેમના વ્યાખ્યાનમાં પતંજલિ યોગશાસ્ત્રથી લઈ ભારતીય સંસ્કૃતિ સંલગ્ન વિવિધ ગ્રંથોમાં અપાયેલ યોગ, આત્મા, શરીર, ઇન્દ્રિયો અને અન્ય આધિભૌતિક આયામો પર અસરકારક રજૂઆત કરી હતી.
'ફીટ ઇન્ડિયા' ચળવળ અંતર્ગત વર્કશોપનું આયોજન
વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડૉ. કે.પી.ઠાકર અને બેઝિક સાયન્સ એન્ડ હ્યુમાનીટીઝ મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. વી. એચ. કણબીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉ. વિશ્વાસ જોશી અને જે.એસ.પટેલે કર્યું હતુ. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર.એમ.ચૌહાણે સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ નિયામક વિદ્યાર્થી કલ્યાણ વિભાગ તેમજ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમાનીટીઝ મહાવિદ્યાલયને અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.