પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં.
બેઠકમાં કલેક્ટરે પીવાના પાણી અંગે પ્રશ્નો સાંભળ્યા બાદ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, ઉનાળાની સીઝનમાં લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પુરતી તકેદારી રાખીએ તથા જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા પાણી આપીને પાણીની વ્યવસ્થા સારી રીતે જાળવીએ. શાળાઓના ઓરડાઓ નવા બનાવી ઓરડાઓની ઘટ પુરી કરવી, રસ્તાઓ બનાવવા, નેશનલ હાઈવેને લગતા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભારતીય માનક બ્યુરોના પ્રતિનિધિ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ.
આ બેઠકની શરૂઆતમાં પ્રિ-મોન્સુન પ્લાન અંગે ચર્ચા કરતા કલેકટરએ અધિકારીઓને જણાવ્યું કે, આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ કરી રાખીએ જેથી ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં જાનહાની ટાળી શકાય. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના તમામ 14 તાલુકાઓ માટે લાયઝન અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે તેઓ તેમના તાલુકામાં તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે અત્યારથી જ બેઠક યોજી જરૂરી તૈયારી રાખે. ભારે વરસાદ કે પૂરની સ્થિતિ સર્જાય તો તેના માટે તરવૈયાઓની યાદી, ફોન નંબર, જેસીબી મશીનો, ડેમમાંથી પાણી છોડતી વખતે અગાઉથી તે વિસ્તારમાં જાણ કરવી વગેરે ડેટા હાથવગો રાખવા જણાવ્યું હતુ.
તેમણે માર્ગ મકાન અને વન વિભાગને એકબીજાના સંકલનમાં રહેવા તથા વાવાઝોડાથી વૃક્ષો ધરાશયી થાય તેવા સંજોગોમાં રોડ કનેક્ટીવીટી ચાલુ રહે તે માટે તમામ તૈયારી રાખવા જણાવ્યું હતુ. રોડ પર જ્યાં કોઝ વે હોય ત્યાં પાણીના વહેણનું લેવલ માર્કીંગ કરવું અને નુકશાની ન થાય તેની તકેદારી રાખવી, રેઇનગેજની ચકાસણી તથા પાણીના વહેણી સાફ-સફાઇ કરાવી વહેણના અવરોધો દૂર કરવા નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને સુચના આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.