મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના 14 જિલ્લાઓના 1 લાખ 23 હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના દાંતા મામલતદાર કચેરી ખાતે સંસદ સભ્ય પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દાંતા તાલુકાના કૃષિ વૈવિધ્યકરણ યોજનાના આદિજાતિ ખેડુતોને ખાતર-બિયારણની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આદિજાતિ લાભાર્થી ખેડુતોને અંદાજીત રૂ. 2800 ની કિંમતની કિટ જેમાં મકાઇનું બિયારણ તેમજ 50 કિ.ગ્રા. ની 2 થેલી ખાતર ડી.એ.પી. તથા 50 કિ.ગ્રા.ની 1 થેલી ખાતર પ્રોમ આપવામાં આવે છે. આ વર્ષે ખરીફ સિઝન માટે આદિજાતિ ખેડૂતોને 0.5 એકર જમીન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના 75 હજાર જેટલા ધરતીપુત્રોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરાશે.
સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધી રાજ્યના પૂર્વ પટ્ટામાં વસતા આદિજાતિ ભાઇ- બહેનોની ચિંતા કરીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજનાના સફળ અમલીકરણથી આદિજાતિ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી વીજળી, શિક્ષણ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનતા આમૂલ અને ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે.
આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે કટીબધ્ધ આ સરકારે કૃષિ વૈવિધ્યકરણની યોજના હેઠળ આદિજાતિ ભાઇ-બહેનોને શાકભાજીનું બિયારણ અને ખાતર આપીને આર્થિક રીતે પગભર બનાવ્યા છે. તેમણે કહ્યું કે, કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય જ નથી એ વાતને ધ્યાનમાં રાખી ઠેર ઠેર આશ્રમ શાળાઓ અને અદ્યતન સુવિધાઓવાળી સ્કુલો શરૂ કરવામાં આવી છે જેના લીધે શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત પરિવર્તન આવ્યું છે.
સાંસદએ જણાવ્યું કે, અંતરીયાળ અને છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને પીવાનું શુધ્ધ પાણી સરળતાથી મળે તે માટે ‘‘નલ સે જલ’’ યોજનામાં ઘેર ઘેર નળ કનેક્શન આપવામાં આવ્યા છે. કોઇ ગરીબ ઘરવિહોણો ન રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકા મકાન, ઉજ્જવલા યોજનામાં ગેસ કનેક્શન મળવાથી મહિલાઓને સુવિધાઓ સાથે બિમારીમાંથી મુક્તિ મળી છે.
તેમણે કહ્યું કે, આદિજાતિ ખેડુતો સહિત તમામ ખેડુતોને મદદ કરવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં દર વર્ષે ખેડુતના ખાતામાં રૂ. 6000 ની રકમ સીધી જમા કરાવવામાં આવે છે. તેમણે આરોગ્ય વિભાગની યોજનાઓ વિશે વાત કરતા કહ્યું કે, બાળકો માટે શાળા આરોગ્ય કાર્યક્રમ તથા 108 એમ્બ્યુલન્સ સેવા સગર્ભા બહેનો અને અકસ્માત સમયે કોઇપણ વ્યક્તિને જીવતદાન આપવામાં મદદરૂપ બને છે. લોકોના કલ્યાણ માટે આવી તો અનેક યોજનાઓ અમલી બનાવી છે તેનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે, આપણે આઝાદીના 75માં વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ભૂતકાળમાં 45 વર્ષમાં ન થયો હોય તેટલો વિકાસ છેલ્લા 20 વર્ષમાં થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી આ સરકારે રોડ, રસ્તા, પાણી, વીજળી, શિક્ષણની સુવિધાઓ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડીને લોકોને સુખ- સુવિધા આપી છે.
કિસાનોને મદદ કરવા કિસાન સન્માન નિધિમાં રૂ. 2000 લેખે વાર્ષિક રૂ. 6000 ની સહાય ખેડુતોના ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચિંધેલા રાહ પર ચાલીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. તેમણે અધિકારીઓને કહ્યું કે, ટ્રાયબલ વિસ્તારના ભલા- ભોળા લોકો માટે સેવાભાવથી કામ કરવાથી આત્મસંતોષ સાથે પૂણ્ય કમાવાનું સૌભાગ્ય મળશે. ડુંગરાળ વિસ્તારના દિકરા- દિકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે તેમ તેમણે જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.