બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન દરમિયાન કમોસમી વરસાદ હીમપ્રપાતના કારણે ઘઉંના પાક ઉપર અસર થઈ હતી. તેનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. વર્તમાન સમયે ઘઉંની કાપણી શરૂ થઈ છે. જોકે, તેનું ઉત્પાદન ઘટ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ઘઉંનું 64930 હેક્ટરમાં વાવેતર થયું હતું. જોકે, સિઝન દરમિયાન કમોસમી વરસાદ અને હીમ પ્રપાત થતાં પાક ઉપર અસર થઈ હતી. તેનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. આ અંગે ખેડૂત રઘાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષે એક વીઘા જમીનમાંથી મે 15 બોરી ઘઉં મેળવ્યા હતા.
જોકે, આ વખતે 10 બોરી ઘઉં થયા છે. વરસાદ પડતા તેમજ છેલ્લે છેલ્લે હિમ પડતા ઘઉંનો દાણો એકદમ નાનો થઈ ગયો છે. જેની ઉત્પાદન ઉપર અસર થઈ છે. જોકે, ગત વર્ષ કરતાં આ વખતે ભાવમાં વધારો મળતા ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે.
ગત વર્ષ કરતાં ક્વિન્ટલે રૂ.100 વધુ
પાલનપુર માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્ચ 2022માં ઘઉંનો એક ક્વિન્ટલનો સરેરાશ ભાવ 2404 રહ્યો હતો. જે આ વખતે 2,500 છે. વર્તમાન સમયે 20 કિલોએ રૂપિયા 423 થી 515નો ભાવ મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.