બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર:દાંતીવાડામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર 4 ઇંચ અને પાલનુપરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, ઠેર-ઠેર પાણી ભરાતાં લોકોને હાલાકી

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી

બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ગત સાંજના સમયે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં દાંતીવાડામા 106 MM, પાલનપુરમા 78 MM, સુઈગામમાં 44 MM વરસાદ ખાબક્યો હતો. જેથી સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું. પાલનપુરમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. પાલનપુર શહેરના કીર્તિસ્થંભ વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પાડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં રોડ પરથી વરસાદી પાણીની નદીઓ વહેતી હોઈ એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અત્યારસુધી જિલ્લામાં એવરેજ 27.41 ટકા વરસાદ નોંધાયો છે, જેને લઈ ખેડૂતો વરસાદી સીઝનની ખેતી કરવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં અને ઉપરવાસમાં સારો વરસાદ થાઈ તો બનાસકાંઠા જિલ્લાનાં જળાશયો ભરાય, જેથી આવનારી ખેતીની સીઝન ખેડૂતો કરી શકે, ગયા વર્ષે વરસાદ નહિવત પડતાં મોટા ભાગનાં તળાવો અને ડેમોમાં પાણી સુકાવાથી કૂવાઓ અને બોરોમાં પાણી ખલાસ થઈ ગયું હતું, જેને કારણે ખેડૂતોના તૈયાર પાકો સુકાયા હતા. જોકે હાલ ચોમાસું સીઝનમાં સારો વરસાદ પડે તો ડેમો, તળાવો છલોછલ ભરાઈ જાય એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો અમીરગઢમા 13 MM, કાંકરેજમાં 01 MM, ડીસામાં 04 MM, થરાદમા 04 MM, દાંતામાં 40 MM, દાંતીવાડામા 106 MM, દિયોદરમાં 01 MM, ધાનેરામાં 10 MM, પાલનપુરમાં 78 MM, ભાભરમાં 01, લાખણીમાં 01, વડગામમાં 23 MM, વાવમાં 11 MM, સુઈગામમાં 44 MM, સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે હજુ હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વધુ વરસાદ પડે એવી શક્યતાઓ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...