પાલનપુર ગુરૂનાનક ચોક આગળ રેલવે પુલને ઉંચો કરાયો છે. જ્યાં લોકોને ચાલવા માટે અલગથી ફૂટબ્રિજ બનાવાયો છે. જોકે, રેલવે સ્ટેશન તરફના ફૂટપાથ અને ફૂટબ્રિજને જોડતાં ખાંચામાં પાળીની ઉંચાઇ માત્ર 3 ફૂટ જ હોવાથી જો સહેજ ગફલત થાય તો 30 ફૂટ નીચે પટકાવાનું જોખમ છે.
રેલવે સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન પસાર થઇ શકે તે માટે ગુરૂનાનક ચોકથી આગળ આવતો રેલવે પુલને થોડાક માસ અગાઉ જ ઉંચો કરી વાહન વ્યવહાર શરૂ કરાયો છે. પુલની બંને બાજુ વચ્ચેના ભાગમાં લોખંડનો ફૂટબ્રિજ બનાવાયો હોવાથી રાહદારીઓને પુલ પસાર કરવો સરળ બન્યું છે. જોકે, રેલવે સ્ટેશન તરફના ફુટપાથ અને ફૂટબ્રિજને જોડતાં ખાંચામાં પાળી ચણવામાં બેદરકારી રાખવામાં આવી છે.
જે પાળીની ઉંચાઇ માત્ર 3 ફૂટ છે. પસાર થતાં લોકો કે નાના બાળક જો સહેજ ગફલત કરે તો સીધા પુલની નીચે 30 ફૂટ પટકાવાનું જોખમ રહેલું છે. કોલેજ જતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અહિંયા 3 ફૂટ પાળીની ઉપર બીજી ત્રણ ફૂટ લોખંડની ઝાળી ફિટ કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના નિવારી શકાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.