અમદાવાદના બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ સમગ્ર જીલ્લામાં પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ, બુટલેગરો ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જોકે, બનાસકાંઠા જીલ્લામાં લઠ્ઠાકાંડ કરતાં ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં વર્ષોથી પ્રસરેલું દેશીદારૂનું દુષણ લઠ્ઠાકાંડ કરતાં પણ વધારે જોખમી બની રહ્યું છે.
વિધવા બહેનોનું વેરીફીકેશ કરવામાં આવ્યું
તાજેતરમાં બનાસકાંઠા મહિલા અને બાળ વિભાગ દ્વારા વિધવા બહેનોનું વેરીફીકેશ કરવામાં આવ્યું હતુ. જેમાં પાલનપુર તાલુકાના પાંચ ગામ એવા છે કે જ્યાં 100 કરતાં વધુ વિધવા બહેનો છે. જેમાં ચડોતરમાં 120 મહિલાઓ પૈકી 60 મહિલાઓ એવી છે કે, જેમના પતિનું દારૂ પીવાથી મોત નિપજ્યું છે.
પાંચ તાલુકાના સરપંચ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી તો આ ચોંકાવનારૂ તથ્ય બહાર આવ્યું
ચડોતર : ચડોતરના મહિલા સરપંચ પ્રિયંકાબેન શ્રવણજી ઠાકોરે જણાવ્યું કે, ગામમાં 120 વિધવા બહેનો છે. જે પૈકી 60 બહેનોના પતિઓનું છેલ્લા 40 થી 60 વર્ષમાં દારૂ પીવાથી મૃત્યુ થયું છે. જેઓ નાની ઉંમરે વિધવા બની હતી.પોલીસને રજૂઆત કરીએ તો પોલીસ રેડ કરે છે.પરંતુ અડ્ડા બંધ થતા નથી.
ગઢ :મહિલા સરપંચના પતિ બેચરભાઇ ભૂટકાએ જણાવ્યું કે, વસ્તી 11700 છે. જેમાં વિધવાની સંખ્યા 121 છે. જોકે, કેટલી મહિલાઓ દારૂના વ્યશનના કારણે વિધવા બની તેની જાણ નથી. ગામમાં દારૂનો કોઇ કેસ નથી.
ચંડીસર: મહિલા સરપંચ લક્ષ્મીબેનના પતિ દેવેન્દ્રભાઇ છાપીયાએ જણાવ્યું હતુ કે, ગામની વસ્તી 9972 છે. 120 વિધવા બહેનો મોટી ઉંમરની છે. નાની વયની કોઇ મહિલા નથી. ગામમાં દારૂનું વેચાણ થતું નથી.
મલાણા: મલાણા ગામમાં વિધવા બહેનોની સંખ્યા 100 છે. મહિલા સરપંચ હેમાબેન પુત્રએ ફોન રીસીવ કર્યો હતો.
આંત્રોલી: પાલનપુર તાલુકાના આંત્રોલીમાં સૌથી વધુ 123 વિધવા મહિલાઓની સંખ્યા છે. જોકે, સરપંચ પ્રભાતસિંહનો મોબાઇલ નંબર બંધ આવતો હોઇ કોઇ માહિતી મળી ન હતી.
જિલ્લામાં બે દિવસમાં 366 કેસ કરાયા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પોલીસ દ્વારા અંબાજીમાં 12, ગઢમાં 12, આગથળામાં 4, અમીરગઢ 12, ભાભર 11, ભીલડી 11, છાપી 13, દાંતા 8, દાંતીવાડા 11, ડીસા 41, દિયોદર 20, ધાનેરા 17, માવસરી 3, પાલનપુર 52, પાંથાવાડા 6, શિહોરી 11, સુઇગામ 8, થરા 9, થરાદ 19, વડગામ 13 અને વાવમાં 4 દેશી- વિદેશી દારૂના કુલ 366 કેસ કરાયા હતા. જેમાં 69 આરોપીઓની અટકાયત કરાઇ છે. જ્યારે 1,68,963નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
પાલનપુર તાલુકામાં પણ કેમીકલયુકત દારૂનો વેપલો
ગુજરાત પ્રદેશ મિડિયા સેલ કન્વિનર નરેશ ઠાકોરે કહ્યુ કે પાલનપુર તાલુકામાં પણ હવે કેમીકલયુકત દારૂ જ વેચાઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.