હોબાળો:હવે સાંગરા ગોકુળપુરામાં સ્કૂલ અને ગૌશાળાની જગ્યામાં વિચરતી જાતિને પ્લોટ ફાળવતાં વિવાદ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને ગામના લોકોએ ભેગા થઈ હોબાળો મચાવી કામગીરી અટકાવી દીધી

પાલનપુરના ચંડીસર ગ્રામ પંચાયતની જમીનમાં કલેકટર દ્વારા માપણી કરી વિચરતી જાતિના લોકોને પ્લોટ ફાળવણી કરાતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ બીજા દિવસે પાલનપુર તાલુકાના સાંગરા ગોપાલપુરા ગામમાં ડીએલઆર કચેરી સાધન સામગ્રી લઈને પહોંચી માપણી કામગીરી હાથ ધરી હતી બંને ગામના લોકોએ ભેગા થઈ હોબાળો મચાવી કામગીરી અટકાવી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે ગામની જગ્યા ગામલોકો માટે છે જો અમને જગ્યા નહિ આપે તો ચૂંટણી બહિષ્કાર કરીશુ. જે બાદ જમીન દફતર કચેરીનો સ્ટાફ જતો રહ્યો હતો.

પાલનપુર તાલુકાના સાંગરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગોપાલપુરા ગામ વસેલું છે બંને ગામની સંયુક્ત જમીનમાં શનીવારે સવારે જમીન માપણી ના સાધનો લઈને જમીન દફતર કચેરી નો સ્ટાફ આવીને માપણી કરવા લાગતા ગામના લોકોમાં આક્રોશ ફેલાયો હતો. આ જગ્યા પરના 121 પ્લોટ વિચરતી જાતિને આપવામાં આવતા હોવાની પેરવીનો ગામલોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, જમીન દફતર કચેરી દ્વારા ખોટી માપણી સીટ બનાવીને અધિકારીઓ નકશો બેસાડવા માટે ગામમાં આવ્યા હતા

પરંતુ બંને ગામના લોકોએ હાલ આ કામગીરી અટકાવતા જમીન દફતર કચેરીનો સ્ટાફ સામાન લઈને પાછો ગયો છે. ગોપાલપુરા ગામના અગ્રણીઓએ જણાવ્યું કે અમે પ્રાઇવેટ જમીન પર ગોપાલપુરા ગામ આખું ઊભું કર્યું છે અને પ્રાઇવેટ જમીન પર સ્કૂલ પણ શરૂ કરી છે હવે જો ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન અન્યને આપવાની હોય તો સૌથી પહેલા અમારો હક છે અમને જમીન મળવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...