ફરિયાદ:બેંકે ખોટી રીતે વસુલેલા 885 પરત લેવા નિવૃત કર્મીની ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરના નિવૃત્ત ના. કાર્યપાલક ઇજનેરે ફરિયાદ નોંધાવી
  • દીકરાના અવસાન પછી તેના નામે રહેલી કાર પોતાને નામે કરવા NOC માટે બેન્કે રૂપિયા 885 ભરાવ્યા હતા

પાલનપુરના નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેરે પોતાના દીકરાના અવસાન પછી કાર પોતાના નામે કરવા માટે પ્રોસેસ કરી હતી. જેમાં કોટક મહેન્દ્ર બેન્ક દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટે રૂપિયા 885 ખોટી રીતે વસૂલ્યા હતા. આ નાણાં પરત મેળવવા માટે તેમણે ગ્રાહક સુરક્ષા વિભાગમાં ફરિયાદ નોંધાવી છે.

પાલનપુર ડેરી રોડ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર એમ. એલ. સોનીએ જિલ્લા ગ્રાહક સુરક્ષા વિભાગમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પુત્ર મંઝિલ મનુભાઈ સોનીએ વર્ષ 2016માં કોટક પ્રાઇમ પ્રા.લિ મહેસાણામાંથી કાર લોન લીધેલી હતી. જોકે 29 જાન્યુઆરી 2022 ના રોજ પુત્રનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

તેમની ગાડી નંબર જીજે. 08. 9259 ની આર.સી. બુક ચેક કરતા જેમાં કોટક પ્રાઈમ પ્રા.લિ.ના નામે એચ.પી. થયેલી હતી. આ એન્ટ્રી રદ કરવા અને ગાડી પોતાના નામે તબદીલ કરવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ની જરૂર હોય કોટક બેંક પાલનપુર નો સંપર્ક કર્યો હતો.

પાલનપુર બેન્ક દ્વારા મહેસાણા ઓફિસ નો નંબર આપવામાં આવ્યો હતો. જ્યાંથી આ સર્ટી જે તે સમયે મોકલી દીધું છે. અને તમારે ફરીથી મેળવવું હોય તો રૂપિયા 885 ભરવા પડશે.એમ કહી ખોટી રીતે ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર કોટક મહિન્દ્રા બેન્કના પ્રિવિલેજ મેમ્બર છે. એકાઉન્ટ હોલ્ડર છે. તેમજ એમનો પુત્ર પણ આ બેન્કનો ગ્રાહક હતા. તેમ છતાં બેંકે 885 ખોટી રીતે વસૂલ્યા છે જે પરત લેવા માટે તેમણે આ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...