બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જિલ્લા પોલીસવડા અને આઈ.જી.દ્વારા મંગળવારે લોક દરબાર યોજાયો હતો. જેના 24 કલાકમાં પાલનપુરના એક ગૃહસ્થે બે વ્યાજખોર તેમજ ડીસાના બે વેપારીઓએ પોતાની પાસે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુર આનંદનગર જામપુરા વિસ્તારમાં રહેતા રવિકુમાર રમેશચંદ્ર ઠક્કરે તેમની ઇકો ગાડી રીપેર કરવા માટે તા. 16/10/2021ના દિવસે પાલનપુરમાં નવાબસ સ્ટેન્ડ સામે ત્રીજા માળે પાલનપુરના ખોડલાના પરેશભાઇ જુડાલ અને નરસિંહભાઇ જુડાલ પાસેથી રૂપિયા 30 હજાર વ્યાજે લીધા હતા. અને દરરોજ 600 રૂપિયાનો હપ્તો આપવાનું નક્કી કર્યુ હતુ.જેમાં રૂપિયા 30 હજાર મુડી સહિત કુલ રૂપિયા 1,80,000 ચૂકવ્યા હતા. જોકે, ગાડીના હપ્તા ભરી ન શકતાં ખેંચાઇ ગઇ હતી. આથી બાકીના નાણાં ન ભરી શકતાં પરેશ અને નરસિંહ બંને ઘરે આવી તેમની માતા સાથે અસભ્ય વર્તન કર્યુ હતુ.
અને નાણાં નહી ભરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ડીસાની શ્રીજી વિલા સોસાયટીમાં રહેતા અતુલભાઇ પુરોહિતે વર્ષ 2015માંજલારામ મંદિર પાછળ આવેલ શ્રીજી આર્કેડ માં મનીષ પટેલ પાસેથી 3% ના વ્યાજે 84 હજાર રૂપિયાની રકમ લીધી હતી. જે રકમ બાદમાં તેમણે વ્યાજ સાથે 1,21,500 પરત આપી દીધી હતી. તે સમયે અતુલભાઈએ સિક્યુરિટી પેટે આપેલા ચેક અને પ્રોમિસરી નોટ પરત માંગતા તે નડિયાદ પડ્યા છે. તેઓ જશે ત્યારે લાવીને આપી દેશે તેમ કહી ચેક પરત આપ્યા ન હતા. અને બાદમાં વ્યાજ મેળવવા માટે મનીષ પટેલ અવારનવાર અતુલભાઈ પાસે ઉઘરાણી કરતા હતા. બાદમાં તેમણે 32 લાખ રૂપિયાનો એક્સિસ બેન્ક નો ચેક ભરતા બાઉન્સ થયો હતો. આમ વ્યાજે લીધેલી રકમ પરત આપવા છતાં પણ ખોટી રીતે હેરાન કરતા કંટાળેલા અતુલભાઈએ વ્યાજખોર મનીષ પટેલ સામે ડીસા શહેર ઉત્તર પોલીસ પથકે ફરિયાદ નોંધાવી હતી.
વેપારીએ 10 લાખ નું 19 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં પણ 10 લાખ વસૂલવા કેસ કર્યો
ડીસાના ગવાડી વિસ્તાર અને હાલ છાપી રહેતા અબ્દુલરજાક કુરેશી ભેંસોની લે વેચનો ધંધો કરતા હતા. જેમણે ડીસાના રાજપુર બડાપુરામાં રહેતા ફકીર મહંમદ મહંમદ શેખની પાસેથી 10 લાખ રૂપિયા માસિક પાંચ ટકાના વ્યાજથી લીધા હતા. અને તેઓ રેગ્યુલર દર મહિને 50 હજાર રૂપિયા વ્યાજના રોકડા ચૂકવતા હતા. તેઓએ 26 મહિના સુધી કુલ 13 લાખ રૂપિયા ફકીર મહંમદ શેખને વ્યાજ પેટે ચૂકવ્યા હતા. જોકે, ત્યારબાદ કોરોના અને લોકડાઉન આવતા ધંધો ભાંગી પડતા તેઓ બાકીની રકમ ચૂકવી શક્યા નહોતા. જેથી ફકીર મમદ વારંવાર ઉઘરાણી કરતા તેઓએ પોતાની સ્વીફ્ટ કાર અને આઇસર બંને વેચીને વધુ 6 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, ત્યારબાદ ધંધો ન હોવા છતાં ફકીર મહંમદ દ્વારા તેઓ પાસે તેમજ તેમના સગા સંબંધી પાસે કડક ઉઘરાણી ચાલુ કરતા મૂડીના 10 લાખ રૂપિયાની માગણી કરી ફકીર મહંમદ એ તેઓની પાસે પડેલા 10 લાખના ચેક ભરી બેંકમાં નાખી કેસ કરી દીધો હતો.તેઓએ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા પણ વ્યાજખોરો સામેની ઝુંબેશ ચાલુ થઇ હોવાથી 24 કલાકમાં જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં વ્યાજખોર ફકીર મહંમદ મહંમદ શેખ રહે, બડાપુરા, ગવાડી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.