ઘરવિહોણાને કાયમી સરનામું મળ્યું:કાંકરેજના કાકર ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે ત્યારે કોઈ પણ વ્યક્તિ વિકાસની મુખ્ય ધારાથી વંચિત પાછળ ન રહી જાય તેની ચિંતા સરકાર કરે છે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજી રોટી માટે ફરતા રહેતા અને ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે મુખ્યમંત્રી એ મકાનની ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવતાં હવે તેમને કાયમી સરનામું મળ્યું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી એ જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્ર, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આ સરકાર કામ કરે છે તેમણે કહ્યું કે રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે પરંતુ વિચરતી જાતિ માટે કામ કરવાથી વિશેષ આત્મસંતોષ મળે છે આજદિન સુધીમાં વિચરતી જાતિના 4000 લોકોને મકાન માટે સનદ સહાય અપાઇ છે મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન છે ત્યારે કોઈ પણ વ્યક્તિ વિકાસની મુખ્ય ધારામાં પાછળ ન રહી જાય તેની ચિંતા આ સરકાર કરે છે. નરેન્દ્રનગર વાદી વસાહતના મકાનોની સાથે સાથે બાળકો ભણી શકે તે માટે હોસ્ટેલ પણ બનાવી છે. હવે બાળકોને ભણવા માટે હોસ્ટેલ સાથેની વ્યવસ્થા થતા તેઓ ભણી ગણીને આગળ વધશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ગુજરાત વિકાસના પાયામાં છે. કોવિડના સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને એક તાંતણે બાંધીને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડી છે. ગુજરાતમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ હોવાથી લોકો નિર્ભયપણે હરી ફરી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વિચરતી જાતિના સમુદાયને સંબોધતા કહ્યું કે તમને આગળ વધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે કુરિવાજોમાંથી બહાર આવીને આગળ વધીએ. તેમણે આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે બાળકોને ભણાવવાની હાર્દભરી અપીલ પણ કરી હતી વધુમા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી વિચરતી જાતિઓની વેદના સમજ્યા અને આ જાતિઓને આવાસ યોજના ,પ્લોટ ફાળવણી જેવા અંત્યોદય વિકાસના કામોને તેમણે અગ્રતા આપી છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું કે, વિચરતા સમુદાય સમર્થન મંચ, જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ વર્ષ 2022 સુધીમાં દરેકને ઘરનું ઘર આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા તરફ મહત્વનું કદમ છે. કાકર મુકામે વિચરતી વિમુકત જાતિના કુલ-185 લાભાર્થી કુટુંબોને રહેણાંક હેતુ માટે 15,475 ચો.મી.જમીન ફાળવવામાં આવી છે. 214 લાભાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ કુલ રૂ.97.12 લાખની સહાય ચુકવવામાં આવી છે.

રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના હસ્તે વસાહત, છાત્રાલય અને મહાદેવના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિવેણી સંગમ કાકરના આંગણે અણમોલ અવસર છે. વર્ષોથી વિકાસથી વંચિત વિચરતી જાતિ સમુદાયના લોકો માટે વસવાટની સાથે શિક્ષણની પણ વ્યવસ્થા ઊભી કરાઇ છે. શિક્ષણના અભાવથી વ્યાપેલા કુરિવાજો અને વ્યસનોથી મુક્ત થવા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સૌ સંકલ્પબદ્ધ થઈએ.

અન્ય સમાચારો પણ છે...