ભાસ્કર વિશેષ:ધ્રોબા પ્રાથમિક શાળાના બાળકોએ મોબાઇલમાં ઇવીએમથી મતદાન કરી મંત્રી અને ઉપમંત્રી ચૂંટ્યા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો જ મતદાર, પ્રિસાઇડીંગ, મહિલા,પોલીંગ ઓફિસર બનીચૂંટણી પ્રક્રિયા કરી

લાખણી તાલુકાની ધ્રોબા પ્રાથમિક શાળાના મંત્રી, બે ઉપમંત્રી અને સહમંત્રી નક્કી કરવા માટે મોબાઇલમાં ઇવીએમ ડાઉનલોડ કરી મતદાન થકી ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો જ મતદાર, મતદાન અધિકારી, પ્રિસાઇડીંગ અધિકારી, મહિલા અધિકારી, પોલીંગ ઓફિસર બની 100 ટકા મતદાન કરી સમગ્ર પ્રક્રિયા પાર પાડી હતી.

આચાર્ય ભાવેશભાઇ શ્રીમાળીએ જણાવ્યું કે, ધોરણ 3 થી 8ના કુલ 250 વિધાર્થી ભાઇ- બહેનોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. સૌ પ્રથમ સ્વૈચ્છાએ મંત્રી- ઉપમંત્રી બનવા માંગતા છાત્રોના આઠ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. જે પછી મોબાઇલ ફોનમાં ઇવીએમ સોફટવેર ડાઉનલોડ કરી તેની સમજ અપાઇ હતી. છાત્રોમાંથી પ્રિસાઇડીંગ ઓફિસર, મહિલા ઓફિસર, પોલીંગ ઓફિસર બનાવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છાત્રો મતદાન મથક બહાર કતારમાં ઉભા રહી એક એક કરીને મતદાન કુટીરમાં જઇ પોતાનો મત આપ્યો હતો. જેમણે 100 ટકા મતદાન કરી મંત્રી, બે ઉપમંત્રી અને સહમંત્રીને ચૂંટી કાઢ્યા હતા.

લોકશાહીના પર્વની નાનપણથી સમજ આવે તે માટે ચૂંટણી યોજી
આચાર્ય ભાવેશભાઇએ જણાવ્યું કે, લોકશાહીમાં બાળકો નાનપણથી જ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય અને જાત અનુભવ કરી શકે તે માટે ઇવીએમથી ચૂંટણી કરાઇ હતી. જેમાં પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે પ્રકાશભાઇ રબારી, મહિલા અધિકારી નિકિતાબેન ચૌધરી, પોલીંગ ઓફિસર પ્રિન્સકુમાર પ્રજાપતિ અને પોલીસ અધિકારી સેધાભાઇ રબારીએ ફરજ બજાવી હતી. 250 છાત્રોએ 100 ટકા મતદાન કરી મંત્રી તરીકે વિક્રમભાઇ હરિભાઇ રબારી (ધોરણ 7) અને ઉપમંત્રી તરીકે ભવાનીબેન શંકરભાઇ પ્રજાપતિ (ધોરણ 8) વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...