55 દિવસ અગાઉની ઘટના:વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી છાપીના યુવાનનો આપઘાત,વધુ 5 ફરિયાદ

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાપીના ગૃહસ્થે પાટણના વકીલ વ્યાજખોરના ત્રાસથી ઝેર ગટગટાવી મોતને વ્હાલુ કર્યુ હતુ,હવે ફરિયાદ નોંધાઈ

છાપીના ગૃહસ્થે તિજોરી કબાટ બનાવવાના કારખાના માટે પાટણના વ્યવસાયે વકીલ શખ્સ પાસેથી રૂપિયા 1.50 લાખ વ્યાજે લીધા હતા. જોકે, ધંધામાં મંદી આવતાં સમયસર હપ્તો ભરી ન શકતાં વ્યાજખોરે માનસિક ત્રાસ અાપ્યો હતો. અને વ્યાજ - ખર્ચના નાણાં આપી દો નહિતર ગામ ભેગુ કરી ઇજ્જત કાઢીશની ધમકી આપતાં આજથી 55 દિવસ અગાઉ તેમણે ઝેરી પ્રવાહી પી આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકની પત્નિએ સોમવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જિલ્લામાં વ્યાજના વિષચક્રની છઠ્ઠી ફરિયાદ છાપી પોલીસે નોંધી છે. વડગામના છાપીમાં રહેતા વિપુલકુમાર બાબુલાલ પંચાલ (ઉ.વ. 47) તાજનગર પાસે વિરકૃપા વેલ્ડીંગ વર્કસ તિજોરી- કબાટ બનાવવાનું ભાડેથી કારખાનું ચલાવતાં હતા. જેના વિકાસ માટે જાન્યુઆરી 2016માં પાટણમાં સુભાષનગર, ગાયત્રી મંદિર સામે રહેતા વકીલ મૈનેષકુમાર કૃષ્ણકાંત આચાર્ય પાસેથી રૂપિયા 1,50,000 વ્યાજે લાવ્યા હતા. જેની અવેજીમાં પાંચ કોરા ચેક, પાંચ પ્રોમેસરી નોટ અને પાંચ કોરા વાઉચર આપ્યા હતા. અને નક્કી કર્યા મુજબ વિપુલકુમાર દર મહિને રૂપિયા 4500 વ્યાજ ભરતા હતા.

જોકે, છ માસથી ધંધામાં મંદી આવતાં વ્યાજ ચુકવવામાં વિલંબ થતો હોઇ મૈનેષ આચાર્ય ગાડી લઇને ઘરે આવતો હતો. અને ડીઝલના 1500 તેમજ પેનલ્ટીના રૂપિયા 2500 માંગતો હતો. કોરા ચેક આપેલા હોઇ ડરના માર્યા વિપુલકુમાર આપી દેતા હતા. દરમિયાન એક માસનું વ્યાજ ચઢી જતાં તા. 9 ડિસેમ્બરે મૈનેષે તેમને પાટણ બોલાવ્યા હતા. જ્યાંથી પરત આવ્યા પછી ટેન્શનમાં રહેતા હતા.

15 ડિસેમ્બર 2022ના દિવસે ફોન કરી વ્યાજ તથા ખર્ચના રૂપિયા 15,000 આપી દો નહીતર છાપી આવીને આખું ગામ ભેગુ કરી તમારી ઇજ્જત કાઢી બદનામ કરીશ અને તમારી પત્ની ઉપર પણ કેસ કરીશ તવી ધમકી આપી હતી. આથી વ્યાજખોરના ત્રાસથી વિપુલકુમારે ઝેરી પ્રવાહી પી લીધુ હતુ. જેમને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ. આ અંગે વિપુલકુમારના પત્ની દક્ષાબેને છાપી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવા એસપીએ લોક દરબાર યોજયો
વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો. જેમાં લોકોના પ્રશ્નોને સાંભળી તેનું તાત્કાલીક નિરાકરણ લાવવા પોલીસ અધિક્ષકએ પોલીસ વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે "સરકારની સુચના હેઠળ જિલ્લાને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારે નિયત કરેલા વ્યાજ કરતા વધુ વ્યાજ લેનારાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.વ્યાજ વસુલનારા 9 જેટલાં વ્યાજખોરો સામે ગુન્હો દાખલ કરી ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બે દિવસમાં પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ
બનાસકાંઠા જિલ્લામાં 5 થી 10 ટકાના ઉંચા વ્યાજે નાણાં આપ્યા પછી વ્યાજ સહિત રકમ વસુલ થઇ હોવા છતાં ધમકીઓ આપતાં શખ્સો સામે કાર્યવાહી કરવા પોલીસે લોકોને અપીલ કરી છે. જેમાં જિલ્લામાં બે જ દિવસોમાં કુલ પાંચ ફરિયાદો નોંધાઇ છે.બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં વ્યાજે નાણાં આપી ધાકધમકી આપનારા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં પાલનપુરના વેપારી મહાદેવભાઇ નગાજી પ્રજાપતિએ અકસ્માતની સારવાર કરાવવા માટે પાલનપુર લક્ષ્મીપુરા શેરી નં. 2માં રહેતા જયંતિભાઇ પટેલ પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા 30,000 લીધા હતા. જેનું ચાલીસ મહિના સુધી રૂપિયા 1,20,000 વ્યાજ ભર્યુ હતુ. જોકે, સ્પાઇનનું ઓપરેશન કરાવ્યું હોઇ ત્રણ માસથી વ્યાજ ન ભરતાં જયંતિભાઇ પટેલ તેમની દુકાને તેમજ ઘરે પઠાણી ઉઘરાણી કરતા હતા.

શહેરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા ધવલભાઈ શામળભાઈ પટેલે પાલનપુરના ગોવિંદભાઈ લાલાભાઇ ચૌહાણ પાસેથી રૂપિયા 3.36 લાખ અલગ અલગ સમયે વ્યાજે લીધા હતા. અને વ્યાજ સહિત્ રૂપિયા 17.16 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં ગોવિંદભાઇ ચૌહાણે અવેજીમાં લીધેલા ચેકમાં રૂપિયા 20 લાખની રકમ ભરી અને ચેક બાઉન્સ થતા નોટિસ મોકલી હતી. આ અંગે ધવલભાઈ પટેલે ગોવિંદભાઈ લાલાભાઇ ચૌહાણ અને પ્રવીણભાઈ લાલાભાઇ ચૌહાણ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વાવ તાલુકાના ગંભીરપુરાના અશોકભાઈ મોહનલાલ સુથારે વર્ષ 2019માં ગામના જ કલ્પેશભાઈ શંકરભાઈ સુથાર પાસેથી રૂપિયા 90 હજાર 5 ટકા ના વ્યાજે લીધા હતા. તેની સામે તેમણે વ્યાજ સહિત કુલ રૂપિયા 1.50 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં હજુ પણ 20 હજાર રૂપિયા બાકી હોવાનું કહી ઉઘરાણી કરતા અશોકભાઈએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અમીરગઢ તાલુકાના ડુંગરપુરાના દિપકભાઈ કાળુજી મેણાએ એક વર્ષ અગાઉ તેમના દિકરા ઉમેશ ઉર્ફે આકાશને મોટરસાયકલ અપાવવા માટે ડાભેલા ગામના રણવીરસિંહ મેરૂસિંહ ડાભી પાસેથી રૂપિયા 40 હજાર 10 ટકા વ્યાજ થી લીધા હતા. જેની સામે પઠાણી ઉઘરાણી કરી રૂપિયા 1,36,000 બળજબરીથી કઢાવી લીધા હતા. તેમ છતાં હજુ રૂપિયા 90,000 બાકી છે. તેમ કહી અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

જ્યારે કાંકરેજ તાલુકાના થરાના રમેશભાઈ અજમલભાઈ પ્રજાપતિએ ગામના જહાગીરખાન કેસરખાન મકરાણી પાસેથી 11 જુલાઈ 2020ના રોજ 6 લાખ રૂપિયા લીધા હતા. તે પણ વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં જહાગીરખાને રૂપિયા 7,00,000 બાકી હોવાનું કહી પોતાની પાસે પડેલા ચેક બેંકમાં નાખી દેવાની ધમકી આપી હતી. જ્યારે જહાંગીરખાનની પત્ની સુલતાનાબેન અને તેનો પુત્ર શાહરૂખખાન મકરાણીએ અવાર-નવાર જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...