પાલનપુર તાલુકાના જગાણા ખાતે 11 મો ખેલ મહાકુંભ અંતર્ગત મધ્ય ઝોન કક્ષાની રસ્સાખેંસ સ્પર્ધા યોજાઈ હતી. સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત તથા બનાસકાંઠા જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મધ્ય ઝોન કક્ષાની રસ્સાખેંસ સ્પર્ધા પાલનપુર તાલુકાના જગાણા ખાતે એસ.કે.મહેતા હાઈસ્કૂલ ખાતે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને આ સંસ્થાના પ્રમુખ હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ પ્રસંગે હરિભાઇ ચૌધરીએ જણાવ્યું કે, હારજીતનો ડર રાખ્યા સિવાય રમતમાં ભાગ લેવો એ ખુબ જ મહત્વની બાબત છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલ ખેલ મહાકુંભને આજે ખુબ સારી સફળતા મળી છે. ભૂતકાળના સમયમાં છોકરાઓ જ ઓલમ્પિકમાં ભાગ લેતા હતા. આજે ખેલ મહાકુંભના કારણે દિકરીઓ અને દિકરાઓ અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય દેખાડી રહ્યા છે. છેલ્લા દોઢ- બે દાયકામાં બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણ, રમત-ગમત, કૃષિ અને પશુપાલન સહિત અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે જે સરકારની નીતિઓને આભારી છે.
આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી મુકેશ ઘોયા,અગ્રણીઓ સર્વ મોતી પાળજા, દિનેશભાઈ, આચાર્ય કરશનભાઈ, બનાસકાંઠા જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ હેમરાજ પવાયા, રસ્સાખેંસ એસોસિએશનના સેક્રેટરી રાજુ પટેલ, વિવિધ રમતોના કોચ તેમજ મોટી સંખ્યામાં ખેલાડી ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.