પાલનપુરના કોઝી વિસ્તારમાં વિનામૂલ્યે જુના પુસ્તકોનો સ્ટોલ શરૂ કરાયો છે. જ્યાં ધોરણ 1થી12ના પુસ્તકો લોકો મૂકી જાય છે અને જરૂરિયાતમંદ વાળા વાલીઓ તે પુસ્તકો લઈ જાય છે. આ સ્ટોલ આજે સ્કૂલો ખુલે તે પછી 15 દિવસ સુધી ચાલુ રહેશે. મોંઘવારીના સમયમાં એક બાજુ પુસ્તક અને નોટબુકના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ પુસ્તકની પરબ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે.
પાલનપુરમાં હવે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે શહેરના કોઝી વિસ્તારમાં વિનામૂલ્યે પુસ્તકની પરબ શરૂ કરી છે. પોતાના નામની પ્રસિદ્ધિ કરવાથી સેવાનો કોઈ અર્થ રહેતો નથી તેમ કહેતાં સેવાભાવી ગૃહસ્થે જણાવ્યું હતું કે, આ પુસ્તકના સ્ટોર ઉપર ધોરણ 1 થી 12 સુધીના પુસ્તકો વિનામુલ્યે મળી રહે છે. જે પરિવારના બાળકો જે તે ધોરણનો અભ્યાસ પૂરો કર્યો હોય તે અહીંયા પુસ્તકો મૂકી જાય છે. અને જરૂરિયાત મંદ પરિવારના વિદ્યાર્થીઓ આ પુસ્તકો ત્યાંથી વિનામૂલ્યે લઈ જાય છે.
રોજના 8થી 10 સેટ લેવા મૂકવામાં આવે છે. આમ આ પુસ્તકની આપ- લેનું ચક્ર ચાલતું રહે છે. આજે સોમવારથી સ્કૂલ ખુલી રહી છે. ત્યારે 15 દિવસ સુધી આ સ્ટોલ ચાલુ રાખવામાં આવશે. જેથી જરૂરિયાત મંદ પરિવારના બાળકોને વિનામૂલ્યે પુસ્તકો મળી રહે.
એકબીજાના પુસ્તકોથી જ અભ્યાસ કર્યો હતો
પાલનપુરના સ્ટોલ ઉપર પુસ્તક લેવા આવેલા વયોવૃદ્ધ નિવૃત્ત કર્મચારી કરસનજી રાઠોડે જણાવ્યું હતું કે, શિક્ષણ ખૂબ જ મોંઘું થયું છે. સ્કૂલ ફીની સાથે પુસ્તકો અને નોટબુકોની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો હોય ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને બાળકોનો અભ્યાસ કરાવવો મુશ્કેલીરૂપ બની રહ્યો છે. અમારા સમયમાં મોટાભાગના પરિવારોની આર્થિક સ્થિતિ વિકટ હતી. માતા પિતા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આવી સ્થિતિમાં પુસ્તકો ખરીદવા અસમર્થ હતા. હું મારા આગળના ધોરણમાં અભ્યાસ કરતાં મિત્રો પાસેથી પુસ્તકો લઇને અભ્યાસ કર્યો હતો. મારા પુસ્તકો હું મારી પાછળના ધોરણમાં આવતા મિત્રોને આપતો હતો.નોકરી લાગ્યા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.