સૌને ચૌકાવ્યા:બનાસકાંઠામાં ભાજપે જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યું, 2 ચૌધરી, 2 ઠાકોર, બ્રાહ્મણ માળી અને ક્ષત્રિયને ટિકિટ

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર અને વાવ બેઠક ઉપર નવા ઉમેદવારો મૂકીને સૌને ચૌકાવ્યા

જિલ્લાની 9 બેઠકો પર ભાજપ એ ઉમેદવારો મૂક્યા છે જેમાં પાલનપુર અને વાવ બેઠક ઉપર નવા ઉમેદવારો મૂકીને સૌને ચૌકાવ્યા છે. પાલનપુર ની બેઠક ડીસા ઉપર નિર્ભર હતી. ઉત્તર ગુજરાતમાં એક બ્રાહ્મણને ટિકિટ અપાય છે. શશીકાંત પંડ્યા ને પડતા મુકાતા પાલનપુરમાં બ્રાહ્મણ ઉમેદવાર તરીકે સંઘી વિચારધારાને વરેલા અનિકેત ઠાકરને પસંદ કરાયા હતા. પાલનપુરના અનિકેત ઠાકરના પિતા ગિરીશ ઠાકર સંસ્કૃતના પ્રચાર પ્રસાર અર્થે વર્ષોથી કાર્યરત છે.

ડીસા: ડીસા વિધાનસભામાં માળી સમાજ 20 વર્ષથી ટિકિટથી વંચિત હતો. અહીં પૂર્વ ધારાસભ્ય ગોરધનજીના પુત્ર પ્રવીણને ટિકિટ આપવામાં આવી છે. એવું કહેવાય છે કે સૌથી વધુ કમલમમાં પ્રવીણ માળીની બેઠક હતી જેમણે અહીં સેન્સ આપ્યો ન હતો.

ધાનેરા: ધાનેરામાં ચૌધરી સમાજના અગ્રણી અને સહકારી આગેવાન ભગવાન પટેલને ઉમેદવાર બનાવી ઇતર સમાજના વોટ અંકે કરવાનો પ્રયાસ કર્યો છે. માર્કેટ યાર્ડમાં 13 વર્ષ સુધી ચેરમેન તરીકે રહેલા ભગવાન પટેલનું અગાઉ રાયડા કૌભાંડમાં નામ સામે આવ્યું હતું બાદમાં ક્લીનચીટ મળી હતી.

દિયોદર : દિયોદર બેઠક પર ભાજપે પૂર્વ ઉમેદવાર કેશાજીને રીપીટ કર્યા છે કારણ કે માત્ર 1500 આસપાસની પાતળી સરસાઈથી તેઓ હાર્યા હતા ઠાકોર સમાજના 55 હજારથી વધુ નિર્ણાયક વોટ તેમણે જીત અપાવી શકે છે જે કારણથી એમની ઉપર ફરી પસંદગી ઢોળાઇ છે.

થરાદ: થરાદમાં પરબતભાઈ બાદ ખાલી પડેલી જગ્યા પર પાર્ટી એ શંકરભાઈ ને જવાબદારી સોંપી છે. અહીં ચૌધરી સમાજના જ મતો નિર્ણાયક હોવાથી શંકરભાઈને ટિકિટ અપાઇ છે. 2019 માં લોકસભા ચૂંટણીમાં પરબતભાઈ અને સાંસદમાં મોકલતા અહીં પેટા ચૂંટણી થઈ હતી જેમાં ગુલાબ રાજપુત જીત્યા હતા.

વાવ: વાવમાં શંકરભાઈની જગ્યાએ ઠાકોર સમાજના અગ્રણીને ગેનીબેનની સામે ભાજપે મેદાનમાં ઉતાર્યા છે જે નવો ચહેરો છે. વાવના બીયોક ગામના સ્વરૂપજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પ્રદેશ ઉપપ્રમુખ છે. જેમને અલ્પેશ ઠાકોરએ ટિકિટ અપાવી હોવાનું મનાય છે.

કાંકરેજ: કાંકરેજમાં ભાજપે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાને રિપીટ કર્યા છે. જીલ્લામાં દરબાર સમાજનો બીજો કોઈ ચહેરો વિજેતા ન બની શકે તેમ હોઈ અને અન્ય જગ્યાએ જ્ઞાતિ આધારિત ગણિત બેસતું ન હોઈ પુનઃ કિર્તીસિંહ વાઘેલાની પસંદગી કરાઈ છે.

વડગામ | ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વડગામ વિધાનસભા એવી છે જ્યાં કોંગ્રેસમાંથી આવેલા મણી વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે. અગાઉ કોંગ્રેસમાંથી જીતેલા મણીભાઈને ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ આપી ન હતી. પાર્ટીથી કેટલાય સમયથી નારાજ રહેતા હતા અને તેમને છેડો ફાડ્યો હતો. ભાજપમાં તેમના વિરુદ્ધ ભારે અસંતોષ સેન્સ પ્રક્રિયા દરમિયાન જોવા મળ્યો હતો સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે રજૂઆત કરી હતી જોકે હાલમાં ખુલીને કોઈએ વિરોધ નોંધાવ્યો નથી.

દાંતા | આદિવાસી વોટબેંક ધરાવતી એસટી અનામત દાંતા વિધાનસભામાં ભાજપે સ્થાનિક ઉમેદવાર પર દાવ અજમાવ્યો છે. ભીલ સમાજમાંથી આવતા લાધુભાઈ ખંડોરઉંબરી ગામના સ્થાનિક છે.દાતા તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય છે. 22 વર્ષથી સક્રિય રાજકારણમાં છે અને પત્ની પણ પંચાયતમાં સરપંચ છે.

અન્ય સમાચારો પણ છે...